Get The App

રાજકોટ અને મોરબીમાં વહેલી સવારથી 40 સ્થળો પર ITના દરોડા, 150થી વધુ અધિકારીઓનો કાફલો ત્રાટક્યો

Updated: Sep 16th, 2025

GS TEAM

Google News
Google News
રાજકોટ અને મોરબીમાં વહેલી સવારથી 40 સ્થળો પર ITના દરોડા,  150થી વધુ અધિકારીઓનો કાફલો ત્રાટક્યો 1 - image
AI IMAGE

IT Raid In Morbi-Rajkot: રાજકોટ અને મોરબીમાં આજે વહેલી સવારથી આવકવેરા વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 150થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓનો કાફલો વિવિધ વેપારીઓ, બિલ્ડરો અને ઉદ્યોગપતિઓના સ્થળો પર ત્રાટક્યો છે. આ દરોડામાં મોરબીમાં લેવિસ સિરામિક ગ્રુપ સહિત 40થી વધુ સ્થળોનો સમાવેશ થાય છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, આવકવેરા વિભાગ દ્વારા મોટા પાયે કરચોરીની શંકાના આધારે આ દરોડા પાડવામાં આવ્યા છે. રાજકોટ અને મોરબીના જાણીતા વેપારીઓ અને બિલ્ડરો સહિતના એકમો પર આ કાર્યવાહી ચાલી રહી છે, જેના કારણે વેપારી આલમમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

આવકવેરા વિભાગની ટીમો વહેલી સવારે જ ઓપરેશન માટે રવાના થઈ હતી અને એકસાથે જુદા જુદા સ્થળો પર ત્રાટકી હતી. દરોડા દરમિયાન ટીમો દ્વારા મહત્વના દસ્તાવેજો, હાર્ડ ડિસ્ક અને અન્ય ડિજિટલ રેકોર્ડ્સની તપાસ કરવામાં આવી રહી છે. આવકવેરા વિભાગ દ્વારા આ ઓપરેશન અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં મોટા પાયે બેનામી સંપત્તિ અને કરચોરીના કિસ્સાઓનો પર્દાફાશ થવાની શક્યતા છે.

આ મેગા ઓપરેશનની કાર્યવાહી હજુ પણ ચાલુ છે અને વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે. આવકવેરા વિભાગની આ કાર્યવાહીથી કાળા નાણાં ધરાવતા લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે.

Tags :