Get The App

રાજકોટમાં પાણીપુરી ખાવા નીકળેલી પરિણીતાની ઘાતકી હત્યા, માથું છૂંદાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો

Updated: Nov 23rd, 2025

GS TEAM

Google News
Google News
રાજકોટમાં પાણીપુરી ખાવા નીકળેલી પરિણીતાની ઘાતકી હત્યા, માથું છૂંદાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો 1 - image
AI IMAGE


Rajkot Crime News: 
રંગીલા રાજકોટમાં ફરી એકવાર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉભા કરતી ઘટના સામે આવી છે. શહેરના ભગવતીપરા વિસ્તારમાં એક પરિણીત મહિલાની નિર્મમ હત્યા કરાયેલી લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ભય અને ચકચારનો માહોલ છવાઈ ગયો છે.


પ્રાપ્ત વિગતો અનુસાર, ભગવતીપરાની કોપરગ્રીન સોસાયટીમાં રહેતા સ્નેહાબેન આસોડિયા સાંજે અંદાજે 7:30 થી 8:00 વાગ્યાના સુમારે ઘરેથી પાણીપુરી ખાવા માટે નીકળ્યા હતા. ઘરેથી નીકળતી વખતે તેમણે પોતાના પતિનેજણાવ્યું હતું કે, તેઓ ફેક્ટરીએથી છૂટીને પરત ફરતા તેમને રસ્તામાંથી લેતા આવે. જોકે, પતિ તેમને લેવા પહોંચે તે પહેલાં જ સ્નેહાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બેડી ચોકડી નજીકથી સ્નેહાબેનનો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યારાઓએ અત્યંત ક્રૂરતાપૂર્વક મોઢાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી અને માથું છૂંદી નાખીને આ હત્યાને અંજામ આપ્યો હોવાની આશંકા છે. મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

હત્યાના આ બનાવની જાણ થતાં જ રાજકોટ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. આ મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી અજાણ્યા ઈસમ વિરુદ્ધ ગુનો નોંધીને હત્યારાને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.