શું એક પણ રાઈડ વગર યોજાશે રાજકોટનો લોક મેળો? ત્રીજી મુદત પૂર્ણ થઈ છતાં નથી ભરાયું એક પણ ફોર્મ
Rajkot News : સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક જગ્યાએ જન્માષ્ટમી દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે લોકમેળામાં કોઈ દુર્ઘટના ન સર્જાઈ અને સાવચેતીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે SOP જાહેર કરી છે. જેમાં છેલ્લા બે વર્ષ થી SOPના કડક નિયમો લાગુ છે, ત્યારે રાજકોટમાં 50 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત લોકમેળામાં એક પણ રાઇડ્સનું ફોર્મ ભરાયું નથી. જેમાં લોકમેળાના ફોર્મ ભરવાની ત્રીજી મુદત પણ પૂર્ણ થઈ હોવા છતાં હજુ સુધી રાઇડ્સનું એક પણ ફોર્મ ભરાયા નથી. તેવામાં સવાલ એ થાય છે કે, રાજકોટમાં શું એક પણ રાઈડ વગર યોજાશે લોક મેળો?
રાજકોટના લોકમેળામાં ફોર્મ ભરવાની ત્રીજી મુદત પૂરી થઈ છે, ત્યારે 238 પ્લોટમાંથી 28 ફોર્મ ભરાયા છે. મેળાને લઈને કોંગ્રેસના નેતાએ જણાવ્યું છે કે, 'સૌરાષ્ટ્રમાં અનેક જગ્યાએ મેળા થાય છે તો રાજકોટમાં કેમ નહીં? A પ્લાન B પ્લાનની વાત ચાલે જ નહીં. રાજકોટને ભાંગવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. મેળાને લઈને કલેક્ટરને વિનંતી કરીશ કે, મેળાની મંજૂરી આપે.'
ગુજરાત લોકમેળા એસોસિએશનના સભ્ય કૃષ્ણસિંહ જાડેજાએ નિવેદન આપ્યું હતું કે, મેળા એસોસિએશનની લૉ ઍન્ડ ઑર્ડરના સેક્રેટરી સાથે બેઠળમાં લોકોને રોજગારી મળે તેને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવા માગ કરાઈ. બીજી તરફ, ભાજપના સ્થાનિક નેતા પણ રાઇડ્સ સાથે લોકમેળો યોજાઈ તેવી વાત મૂકી હતી.