Get The App

રાજકોટમાં મંજૂરી વિના 'લાલો' ફિલ્મના પ્રમોશનમાં અફરાતફરી, માંડ બચ્યો બાળકીનો જીવ, મેનેજર સામે ફરિયાદ

Updated: Dec 3rd, 2025

GS TEAM

Google News
Google News
રાજકોટમાં મંજૂરી વિના 'લાલો' ફિલ્મના પ્રમોશનમાં અફરાતફરી, માંડ બચ્યો બાળકીનો જીવ, મેનેજર સામે ફરિયાદ 1 - image

Rajkot News : રાજકોટ શહેરના ક્રિસ્ટલ મોલમાં મંગળવારે (2 ડિસેમ્બર) ગુજરાતી ફિલ્મ 'લાલો કૃષ્ણ સદા સહાયતે'ના પ્રમોશન દરમિયાન ભારે અવ્યવસ્થા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ મામલે મંજૂરી વિના ભીડ એકઠી કરવા બદલ યુનિવર્સિટી પોલીસે ક્રિસ્ટલ મોલના મેનેજર સામે ગુનો દાખલ કર્યો છે.


બાળકીનો જીવ માંડ બચ્યો 

ફિલ્મના કલાકારોને જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડતાં લોકોની ભારે ભીડ જામી ગઇ હતી. ભીડના દબાણને કારણે એક બાળકી મોલના એસ્કેલેટર (ઈલેક્ટ્રિક સીડી) પર પટકાઈ હતી. જોકે, ત્યાં હાજર બે વ્યક્તિઓએ તાત્કાલિક બાળકીને બચાવી લીધી હતી અને મોટી દુર્ઘટના ટળી હતી. પરિસ્થિતિ વણસતી જોઈને અને વધુ કોઈ અઘટિત ઘટના ન બને તે માટે ફિલ્મના કલાકારોએ કાર્યક્રમ ટૂંકાવીને તાત્કાલિક ત્યાંથી નીકળી જવું પડ્યું હતું.

મેનેજર સામે ગુનો દાખલ 

સોશિયલ મીડિયામાં ભીડના વીડિયો વાયરલ થતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના PSIએ તપાસ હાથ ધરી હતી. તપાસમાં જાણવા મળ્યું હતું કે મોલના મેનેજર સમીર રામજીભાઈ વિસાણીએ પોલીસ કમિશનરની પૂર્વ મંજૂરી વિના ગ્રાઉન્ડ ફ્લોર પર સ્ટેજ બાંધી કાર્યક્રમ યોજ્યો હતો. આથી, જાહેરનામા ભંગ બદલ મેનેજર વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટનાએ જાહેર કાર્યક્રમોમાં સુરક્ષા અને આયોજકોની બેદરકારી સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે.