રાજકોટમાં શૌર્ય અને શક્તિથી માતાજીની આરાધના, ક્ષત્રિયાણીઓ જીપ અને બાઈક પર સવાર થઈને તલવાર રાસ રમી

Navratri 2025: રાજકોટના રણજીત વિલાસ પેલેસમાં રાજવી પરિવારના મહારાણી કાદમ્બરી દેવી દ્વારા છેલ્લા 18 વર્ષથી સંચાલિત ભગિની સેવા ફાઉન્ડેશન સંસ્થાના નેજા હેઠળ ક્ષત્રિય સમાજનાં બહેનો પરંપરાગત પોશાકમાં તલવાર રાસ રમે છે. આ રાસ નવરાત્રિ દરમિયાન બે દિવસ રમવામાં આવે છે.

ત્રીજા નોરતે ક્ષત્રિય સમાજનાં બહેનો બુલેટ, સ્કૂટર, વિન્ટેજ કાર અને જીપ પર તલવાર રાસ રમી શૌર્યરૂપ અને કૌશલ્ય બતાવ્યું હતું. આ રાસમાં 15 વર્ષની દીકરીઓથી લઈને 60 વર્ષનાં બહેનો તલવાર રાસ રમી માતાજીની આરાધના કરે છે. જેમાં 150 બહેનોએ દીવડા રાસ, થાળી રાસ, લાઠી રાસ રજૂ કરીને આકર્ષણ વધાર્યું હતું.

બીજી તરફ શહેરના મવડી ચોક સ્થિત બજરંગ ગરબી મંડળની બાળાઓ માથે સળગતી ઈંઢોળી, હાથમાં મશાલ અને સળગતો ગરબો લઈને ગરબે રમી હતી. બાળાઓ દ્વારા અગ્નિને પોતાના મસ્તક પર ધારણ કરતી આ બાળાઓને જોઈને ભક્તોને સાક્ષાત નવદુર્ગા ગરબે રમતા હોય તેવી અનુભૂતિ થાય છે.

રાજકોટ પોલીસ હેડ કવાર્ટરમાં છેલ્લા 37 વર્ષથી પ્રાચીન ગરબા યોજાઈ છે. જેમાં પોલીસ હેડક્વાર્ટરમાં 155 દીકરીઓ ગરબા રમે છે.

