Get The App

રાજકોટમાં દુર્ઘટનાઃ જેતપુરમાં ફનફેરમાં ચાલુ રાઇડ તૂટી પડી, બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

Updated: Oct 25th, 2025

GS TEAM

Google News
Google News
રાજકોટમાં દુર્ઘટનાઃ જેતપુરમાં ફનફેરમાં ચાલુ રાઇડ તૂટી પડી, બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત 1 - image


Rajkot FunFair Accident: રાજકોટમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. જેતપુર ખાતે દર વર્ષે યોજાતા દિવાળી ફનફેરમાં શુક્રવારે (24 ઓક્ટોબર) સાંજે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ફનફેરમાં ચાલુ 'બ્રેકડાન્સ'  રાઇડ અચાનક તૂટી પડતાં દોડધામ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં એક દંપતીને ગંભીર ઈજા પહોંચી હતી, જેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 

આ પણ વાંચોઃ ગુજરાતમાં 3 દિવસ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી, અનેક જિલ્લામાં યલો ઍલર્ટ

શું હતી ઘટના? 

મળતી માહિતી મુજબ, રાજકોટમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી નિમિત્તે જેતપુરમાં દિવાળી ફનફેરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ફનફેરમાં શુક્રવારે (24 ઓક્ટોબર) દુર્ઘટના સર્જાઈ હતી. જ્યારે લોકો ત્યાં મેળા અને રાઇડ્સની મજા માણી રહ્યા હતા, ત્યારે એકાએક ચાલુ બ્રેકડાન્સ રાઇડ તૂટી પડી હતી. આ દુર્ઘટનામાં ધવલ મંડલી અને તેમની પત્ની ગાયત્રી મંડલી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જોકે, બંનેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ, દંપતીની સ્થિતિ ખૂબ જ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. ફનફેરમાં રાઇડ તૂટ્યાની સાથે જ આયોજકો અને ત્યાં હાજર લોકોમાં ભય અને ભાગદોડનો માહોલ સર્જાયો હતો. 

પોલીસે મેળો બંધ કરાવી તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે ત્વરિત કાર્યવાહીના ભાગરૂપે મેળો બંધ કરાવી દીધો અને દુર્ઘટનાના કારણોની તપાસ હાથ ધરી છે. પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા હવે એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે કે, આ દિવાળી ફનફેરને આયોજન માટે પૂરતી મંજૂરી મળી હતી કે નહીં. આ સાથે જ, રાઇડ્સની સુરક્ષા અને જાળવણીના માપદંડોનું પાલન થયું હતું કે નહીં તે અંગે પણ તપાસના ચક્રો ગતિમાન કરાયા છે.

આ પણ વાંચોઃ ગુજરાત પોલીસની SMCનો સરખેજમાં દરોડો, રૂ.28 લાખનું મેફેડ્રોન જપ્ત, નોટો ગણવાનું મશીન પણ મળી આવ્યું

આ પહેલાં પણ બની હતી આવી ઘટના

નોંધનીય છે કે, આજથી પાંચ વર્ષ પહેલાં 14 જુલાઈ 2019માં અમદાવાદના કાંકરિયામાં પણ રાઇડ દુર્ઘટના સર્જાઈ હતી. ત્યારે ચાલુમાં 'ડિસ્કવરી' નામની પેન્ડુલમ રાઇડ તૂટી પડી હતી, જેમાં બે લોકોના મૃત્યુ થયા હતા અને 29 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના બાદ રાજ્ય સરકારે તમામ રાઇડ્સની સુરક્ષા તપાસ અને જાળવણીના નિયમો વધુ કડક બનાવ્યા હતા. લાંબા સમય સુધી રાજ્યની તમામ રાઇડ્સ બંધ કરી દેવામાં આવી હતી, તેમ છતાં રાજકોટમાં આવી જ દુર્ઘટનાનું ફરી એકવાર પુનરાવર્તન થયું છે. 

રાજ્યમાં જ્યારે કોઈ મોટી દુર્ધટના બને ત્યારે ટૂંકા ગાળા માટે તેને લાગતી વળગતી વસ્તુઓ બંધ કરી દેવામાં આવે છે. બ્રિજ તૂટે તો અન્ય જર્જરિત બ્રિજની તપાસ હાથ ધરી તેને બંધ કરવામાં આવે. વડોદરામાં હરણી કાંડ બાદ બોટિંગના નિયમો કડક કર્યા અને ટૂંકા ગાળા માટે બોટિંગ બંધ કરી દીધી. શાળાના પ્રવાસ દરમિયાન દુર્ઘટના થાય તો પ્રવાસ બંધ કરી દેવામાં આવે. પરંતુ, થોડા સમય બાદ જ્યારે ફરી બધું શરૂ કરવામાં આવે ત્યારે સ્થિતિ તેની તે જ રહે છે. સરકારના કડક નિયમો ફક્ત સમાચાર અને કાગળ પૂરતા જ જોવા મળે છે.


Tags :