રાજકોટ-ગોંડલ હાઇવે પર એસ.ટી બસ ચાલક યુવકને કચડી ફરાર, બે વર્ષ પહેલા જ થયા હતા લગ્ન
Accident on Rajkot-Gondal Highway: ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે ફરી એકવાર લોહીથી રંગાયો છે. ભરૂડી ગામના પાટિયા નજીક GSRTCની એક બસે બાઈક ચાલકને અડફેટે લેતા એક યુવાનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત થયું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગોંડલ શહેરના ભોજરાજપરા નરશીમંદિર પાસે રહેતા ભાવિક લશ્કરિયા (ઉં.વ. 27) નામનો યુવાન પોતાની નોકરી પર જવા નીકળ્યો હતો. તેણે હેલ્મેટ પણ પહેર્યું હતું અને સાવચેતીપૂર્વક રોડની સાઈડમાં બાઈક ચલાવી રહ્યો હતો. તે જ સમયે, મેંદરડા-જુનાગઢ-રાજકોટ રૂટની GJ18 ZT 1941 નંબરની એસ.ટી. બસના ચાલકે બેફામ ગતિએ બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભયંકર હતી કે બસનું ટાયર બાઈક સવારના માથા પરથી ફરી વળ્યું, જેના કારણે ભાવિકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
અકસ્માત બાદ એસ.ટી. બસનો ચાલક બસ મૂકીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ગોંડલ તાલુકા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. મૃતકના ખિસ્સામાંથી મળેલા લાઈસન્સ અને કંપનીના પહેરવેશ પરથી તેની ઓળખ ભાવિક લશ્કરિયા તરીકે થઈ હતી.
ભાવિકના અકાળે અવસાનથી તેના પરિવારમાં માતમ છવાઈ ગયો છે. આ યુવાનના લગ્ન બે વર્ષ પહેલા જ થયા હતા અને તેનો માત્ર બે મહિનાનો દીકરો છે. આ કરુણ દુર્ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પોલીસે ફરાર બસ ચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.