રાજકોટ લોકમેળો: રાઈડ્સના 34 પ્લોટ સામે 69 ફોર્મ ભરાયા, પણ રમકડા-ખાણીપીણીના 193 સ્ટોલ હજુ ખાલી!
Rajkot News : સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક જગ્યાએ જન્માષ્ટમી દરમિયાન લોકમેળાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે રાજકોટના લોકમેળામાં યાંત્રિક રાઈડ ઊભી કરવા સહિતની બાબતને લઈને સંચાલકોએ ગાંધીનગર રાજ્ય સરકારને રજૂઆત કરી હતી. જેને ધ્યાનમાં રાખીને સરકારે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP)ના નિયમો હળવા કર્યા હતા અને કેટલાક નિર્ણયો લેવા માટે સ્થાનિક તંત્રને છૂટછાટ આપી હતી. જેમાં યાંત્રિક રાઈડ્સના 34 પ્લોટ સામે 69 ફોર્મ ભરાયા છે. જોકે, રમકડા અને ખાણીપીણીના 193 જેટલાં સ્ટોલ્સ હજુ ખાલી હોવાનું સામે આવ્યું છે.
યાંત્રિક રાઈડ્સના 34 પ્લોટ સામે 69 ફોર્મ ભરાયા
રાજકોટમાં આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન યોજાનાર લોકમેળામાં રાઈડ્સને લઈને સરકારે SOPના નિયમો હળવા કર્યા છે. જેમાં રાઈડ્સને લઈને ફોર્મ ભરાયા છે, પરંતુ મેળામાં રમકડા અને ખાણીપીણીના સ્ટોલ ખાલી હોવાથી તંત્ર મૂંઝવણમાં મુકાયું છે. જેમાં રમકડાના 120 સામે માત્ર 15 ફોર્મ અને ખાણીપીણીના 6 પ્લેટ સામે 11 ફોર્મ, મધ્યમ ચકરડીના 3 પ્લોટ માટે 42 અને નાની ચકરડીના 12 પ્લોટ માટે 38 ફોર્મ ભરાયા છે. જ્યારે ખાલી રહેલા સ્ટોલનું હરાજીથી વેંચાણ કરવામાં આવશે.
બીજી તરફ, સરકારની કડક SOPના કારણે ખાનગી મેળાના સંચાલકોને મૂંઝાયા છે. સ્થાનિક તંત્રએ ખાનગી મેળાની સ્થિતિને લઈને જાણકારી ન હોવાના લીધે સરકારની ગાઈડલાઈનમાં કોઈ બાંધછોડ આપી નથી.