ગુજરાતના સૌથી દર્દનાક માનવસર્જિત કાંંડમાં 27 જિંદગી ભડથું થઈ હતી : કમિશનરો,પદાધિકારીઓનો વાળ તોે વાંકો ન થયો, તંત્રમાં સુધારો પણ નહીં : મનપાએ 5,000 ફાયર NOC, BUPની નોટિસો આપી વહીવટ કર્યો : સીલ ખોલી આપ્યા, ગેરકાયદે બાંધકામો પ્રતિ આંખ મિચામણા ફરી શરૂ
રાજકોટ, : સમગ્ર દેશમાં અરેરાટી ફેલાવનાર રાજકોટના નાનામવા રોડ વિસ્તારમાં પ્લાન-કમ્પલીશન કે ફાયર એન.ઓ.સી. વગર ગેરકાયદે ધમધમતા ટી.આર.પી.ગેમઝોનમાં તા. 25 મે 2024ની સાંજે માનવસર્જિત લાપરવાહીથી લાગેલી આગમાં 27 નિર્દોષ માણસો એટલી હદે બળીને ભડથું થયા કે એક પણ હતભાગીના શરીરનું એક અંગ ઓળખી શકાય તેવું ન્હોતું. સરકારી તંત્રોની બેદરકારીથી સર્જાયેલા ગુજરાતના આ સૌથી દર્દનાક અગ્નિકાંડના દોઢ વર્ષના અંતે મનપાએ જે તે સમયે લોકરોષના પગલે નોટિસો,સીલીંગ સહિત કાર્યવાહી કરી હતી તે હવે ધૂળ ખાય છે અને તમામ આરોપીઓ જામીન પર મુક્ત થયા છે.
તાજેતરમાં જન.બોર્ડમાં અપાયેલ માહિતી મૂજબ અગ્નિકાંડ પછી મહાપાલિકાએ 3033 ગેરકાયદે બાંધકામોને ક.260(1) અને (2) હેઠળ નોટિસ આપી છે પરંતુ, તેમાંથી આજ સુધી માત્ર 38 બાંધકામો જ દૂર કરાયા છે,બાકીના ત્રણ હજાર સામે આંખ મિચામણા. આ જ રીતે ફાયરબ્રિગેડ દ્વારા ફાયર એન.ઓ.સી.ના મુદ્દે 2800 થી વધુ નોટિસો આપી છે, બે-બે વાર નોટિસો આપી છે પરંતુ, એક પણ બિલ્ડીંગને સીલ કર્યુ નથી.અત્યાર સુધીમાં 300ને ફાયર એન.ઓ.સી.અપાઈ છે. અગ્નિકાંડ વખતે કડક નિયમો બનાવાયા તે હવે કાગળ ઉપર રહી ગયા છે, બીયુપી-ફાયરએનઓસી વગરની સ્કૂલો સહિત 700થી વધુ બિલ્ડીંગો ત્યારે ધડાધડ સીલ કરાઈ જે સીલ ક્રમશ: ચૂપચાપ ખોલી દેવાયા છે.
આ અગ્નિકાંડ બાદ મ્યુનિ.કમિશનર અને પોલીસ કમિશનરની બદલી કરાઈ જેમને પછીથી પોસ્ટીંગ પણ આપી દેવાયું તો મોરબી ઝૂલતાપૂલ કાંડ પછી ભાજપના ચૂંટાયેલા તમામ સભ્યોને ઘરભેગા કરી દેવાયા ત્યારે રાજકોટમાં એક પણ નેતા સામે એક પણ પગલુ લેવાયુ નથી કે કોઈને ઠપકો પણ અપાયો નથી. ટી.પી.ઓ.મનસુખ સાગઠીયા સામે સરકારી રેકર્ડ સાથે ચેડાં, કરોડોની બેનંબરી સંપતિના કેસો થયા પણ આ કરોડો કોણ આપી ગયું અને કોઈને આપવાના હતા તે અંગે હજુ સવાલો જ રહ્યા છે. 'ચમ્મરબંધીને નહીં છોડાય' કહેનારા નેતાઓએ ચમ્મરબંધીને પકડયા જ નહીં. અગ્નિકાંડ પછી સરકારે કડક નિયમોના નોટિફિકેશનો,પરિપત્રો જારી કર્યા પણ અમલ નહીવત્ છે. રાજકોટમાં હજારો ગેરકાયદે બાંધકામો આજે પણ યથાવત્ છે.
ગંભીર વાત તો એ છે કે અગ્નિકાંડ પછી સલામતિના નિયમોના પાલન માટે તંત્રમાં સુધારા વધારાને બદલે ઘટાડો થયો છે, ચીફ અને ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસરની જગ્યા તો દોઢ વર્ષથી ખાલી જ રહી છે અને સ્ટેશન ઓફિસરને ચાર્જ સોંપાયો છે. તો ટી.પી.ઓ.માં નવી નિમણુકો પછી કામગીરીમાં વધારાને બદલે ઘટાડો છે, વન ડે-વન વોર્ડ જેવી ઝૂંબેશો બંધ છે.


