'મારી નજર સામે દીકરો ડમ્પર નીચે કચડાઈ ગયો...' રાજકોટની કરુણ ઘટના અંગે પિતાની વેદના
Rajkot Accident: રાજકોટ શહેરમાં બેફામ દોડતા ડમ્પર ચાલકોનો આતંક યથાવત છે. રાજકોટના મોરબી રોડ પર જકાતનાકા નજીક એક હૃદયદ્રાવક ઘટના બની છે, જેમાં બેફામ ડમ્પર ચાલકે 8 વર્ષના માસૂમ બાળકને કચડી નાખતા તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નિપજ્યું છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરમાં ભારે વાહનોના નિયમન અને ટ્રાફિક વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
પિતાની નજર સામે દીકરાનું મોત
મળતી માહિતી મુજબ, મૃતક બાળક જગદીશ તેના મોટા ભાઈ અને પિતા સાથે દવાખાને જઈ રહ્યો હતો. જગદીશને તાવ આવ્યો હોવાથી તેના પિતા તેને દવાખાને લઈ જઈ રહ્યા હતા. ત્યારે જ પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરે તેમને ટક્કર મારી હતી. અકસ્માતમાં મોટો દીકરો આબાદ બચી ગયો, પરંતુ કમનસીબે 8 વર્ષનો જગદીશ ડમ્પર નીચે કચડાઈ ગયો. આ કરુણ દ્રશ્ય પિતાએ નજર સામે જોતા તેમનું હૈયું ફાટી ગયું.
ઘટના બાદ પરિવારમાં આક્રંદ છવાયો છે. પિતાએ ભારે હૈયે વેદના વ્યક્ત કરતા જણાવ્યું કે, 'મેં મારી નજર સામે મારા દીકરાને ગુમાવ્યો છે.' તેમણે તંત્ર પાસે ન્યાયની માંગ કરી છે અને બેફામ ડમ્પર ચાલકો સામે કડક કાર્યવાહીની અપીલ કરી છે.
સ્થાનિકોએ ડમ્પર ચાલકને પકડી પોલીસને સોંપ્યો
અકસ્માત સર્જીને ભાગવાનો પ્રયાસ કરી રહેલા ડમ્પર ચાલકને સ્થાનિક લોકોએ ઝડપી પાડ્યો હતો. લોકોએ તેને પકડી પાડીને પોલીસને હવાલે કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
શહેરમાં ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધની માંગ
આ ઘટના બાદ રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં બેફામ દોડતા ટેન્કરો અને ડમ્પરો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. શહેરીજનોની માંગ છે કે દિવસ દરમિયાન આવા ભારે વાહનોને શહેરમાં પ્રવેશ ન આપવો જોઈએ. પોલીસ અને RMC દ્વારા સંયુક્તપણે કડક નિયમો બનાવીને માત્ર રાત્રિના સમયે જ આવા વાહનોને શહેરમાં પ્રવેશ આપવાની માંગ ઉઠી છે. આ પ્રકારના અકસ્માતો અટકાવવા માટે નક્કર પગલાં લેવા અત્યંત જરૂરી છે.