Get The App

રાજકોટ જિ.પં.ની સામાન્ય સભામાં રસ્તા- શિક્ષણ- સિંચાઈ મુદ્દે તડાપીટ

Updated: Jul 21st, 2025

GS TEAM

Google News
Google News
રાજકોટ જિ.પં.ની સામાન્ય સભામાં રસ્તા- શિક્ષણ- સિંચાઈ મુદ્દે તડાપીટ 1 - image


 ખુદ શાસક ભાજપના જ કારોબારી સમિતિ ચેરમેને વેધક સવાલોનો મારો ચલાવતાં આશ્ચર્ય : બહુમતીના જોડે તમામ ઠરાવો- નિર્ણય મંજૂર  : 'ભ્રષ્ટ સિંચાઈ સમિતિ' હાય..હાય..'નો વિપક્ષ દ્વારા સૂત્રોચ્ચાર

રાજકોટ, : રાજકોટ જિલ્લા પંચાયતની આજે સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં રસ્તા, શિક્ષણ, સિંચાઈ સહિતના મુદ્દે ભારે તડાપીટ બોલી હતી. વિપક્ષ કોંગ્રેસે 'ભ્રષ્ટ સિંચાઈ સમિતિ હાય..હાય..'ના નારા લગાવીને એક તબક્કે સામાન્ય સભાની કાર્યવાહી ખોરવી નાખી હતી. એ તો ઠીક, ખુદ શાસક ભાજપના કારોબારી સમિતિ ચેરમેને બેઠક સવાલોનો મારો ચલાવીને સૌને આશ્ચર્યમાં મુકી દીધા હતા. જો કે 36 પૈકી 30 સભ્યોની બહુમતી કરાવતા શાસક ભાજપે વિના વિઘ્ને તમામ ઠરાવો- નિર્ણયો પર મંજૂરીની મહોર મારી દીધી હતી.

આજે રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીના અધ્યક્ષસ્થાને પ્રશ્નોત્તરીવાળી સામાન્ય સભા યોજાઈ હતી, જેમાં ભાજપના ૩૦ પૈકી ચાર સભ્યોએ વિવિધ ૨૫ પ્રશ્નો પૂછયા હતા, જ્યારે વિરોધ પક્ષના 6 સભ્યો તરફથી વિપક્ષી નેતાએ 20 સવાલો રજૂ કર્યા હતા. જો કે સામાન્ય સભામાં હોબાળો થવાની પહેલાથી જ ખબર પડી ગઈ હોવાથી સત્તાધીશોએ 'ડેમેજ કંટ્રોલ'ની તૈયારી કરી લીધી હતી. નિયત એક કલાકની પ્રશ્નોત્તરીમાં વિપક્ષી નેતાનો વારો આવ્યો ત્યાં સમય પૂરો થઈ ગયો હતો. જો કે તેઓએ જિલ્લા પંચાયત કચેરીમાં પ્રવેશતા જ 'ભ્રષ્ટ સિંચાઈ સમિતિ હાય..હાય..'ના નારા લગાવીને કેનાલના કામોમાં ગેરરીતિ, જર્જરિત શાળાઓ, શિક્ષકોની અછત, પાઠયપુસ્તકોનો અભાવ, ખાતર કૌભાંડના આક્ષેપો સાથે તડાપીટ બોલાવી હતી.

સૌથી આશ્ચર્યની વાત એ છે કે ગત ચૂંટણીમાં જંગી બહુમતીથી ભાજપની જીત થયા બાદ કોંગ્રેસના સભ્યો પણ તોડયા ને વિપક્ષનું જાણે નામ ન રહેવા દીધું. પરંતુ આખરે આજે સામાન્ય સભામાં વિપક્ષે તો અવાજ ઉઠાવ્યો, પણ શાસક ભાજપના જ સભ્ય અને સૌથી મહત્વની કારોબારી સમિતિના ચેરમેન પી. જી. ક્યાડાએ શિક્ષણ, મહેકમ, બાંધકામ, આંગણવાડી અને વિકાસ કાર્યોના 12 સવાલોમાં ડીડીઓ સહિતના ખાતાકીય અધિકારીઓને ઘેરીને બરાબરનો ચીંટિયો ભર્યો હતો. એક તબક્કે તો તેમણે વિપક્ષી નેતાને પણ સંભળાવી દીધું કે, 'તમે વચ્ચે બોલવાનું બંધ કરો, હું તમારૂ જ કામ હળવું કરૂ છું..' આખરે પ્રમુખે ડેમેજ કંટ્રોલ માટે તાબડતોબ પ્રશ્નોત્તરીકાળ પૂર્ણ થયાનું જાહેર કરીને સામાન્ય સભાની કાર્યવાહી ઝટપટ આટોપી લીધી હતી.

 જિલ્લા વિકાસ અધિકારીને સામાન્ય સભામાં એક શબ્દ બોલવા ન દીધા 

રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદની આજે બીજી સામાન્ય સભા હતી, પણ શાસક ભાજપે તેમને એક શબ્દ બોલવા દીધા નહોતા. 45 પ્રશ્નો રજૂ થયા, જેના જવાબ જે-તે વિભાગીય અધિકારીએ આપ્યા, ને એમાંથી ઉઠેલા સવાલોના જવાબ ડીડીઓ પાસે માંગવા સાથે નિરાકરણની બાંયધરી માંગવામાં આવી, પણ તેઓ બોલે એ પહેલા પ્રમુખ પ્રવિણાબેન રંગાણી તરફથી ઉડાઉ જવાબ આપી દેવામાં આવ્યા હતા.

 નવા જિલ્લા પંચાયત ભવનનું નામ બદલવાનો ઠરાવ ગાયબ

હાલ રાજકોટ જિલ્લા પંચાયત ભવનનું નવીનીકરણ ચાલુ છે, જે બે વર્ષમાં પૂર્ણ થનાર છે ત્યારે તેનું હાલનું નામ 'સ્વ.વલ્લભાઇ પટેલ' છે, જે બદલીને 'સ્વ. કેશુભાઈ પટેલ' રાખવાનો ઠરાવ આજની સામાન્ય સભામાં પસાર કરવાનું અગાઉ નક્કી હતું, પણ છેલ્લી ઘડીએ મુલતવી રાખી દેવામાં આવ્યું હતું. જેમાં ભાજપનો જૂથવાદ સામે આવે એમ હોવાથી હાલ નામકરણનો ઠરાવ ગાયબ કરી દેવાયાનું ચર્ચાય છે.


Tags :