For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

રાજકોટ કોંગ્રેસમાં અગાઉ ઉમેદવાર 4 નેતાઓ હવે ભાજપના માત્ર કાર્યકર

Updated: Nov 24th, 2022

Article Content Image

મોરબી, જામનગર, રાજકોટ જિલ્લાના ત્રણ પૂર્વ ધારાસભ્યો હવે ઉમેદવાર નથી : 1998થી 2007 સુધી ભાજપ સામે  લડનાર કાશ્મીરાબેન તથા ચોવટીયા, લાખા સાગઠીયા હવે ભાજપમાં પ્રચાર કરે છે, માત્ર રાદડીયાને ટિકીટ મળી જામનગરના હકુભા જાડેજા અને મોરબીના બ્રિજેશ મેરજા હવે લડતા નથી,ભાજપ સોંપે તે કામ કરે છે  6 બેઠક પર મૂળ કોંગ્રેસી નેતાઓ ભાજપ માટે ચૂંટણી લડી રહ્યા છે

રાજકોટ, : રાજકોટમાં ઈ. 1998થી ગત ચૂંટણી ઈ. 2017 દરમિયાન ભાજપની નીતિ-રીતિઓની આકરી ટીકા કરીને કોંગ્રેસના ઉમેદવાર તરીકે ઝનુનપૂર્વક  ચૂંટણી લડનારા (પણ હારનારા) શહેરની ચાર બેઠકો પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ગ્રામ્યના ચાર ઉમેદવારો આ ચૂટણીમાં પક્ષપલ્ટો કર્યો છે અને ચારેયને ટિકીટ તો નથી મળી પણ માત્ર ભાજપના કાર્યકર તરીકે કામ કરી રહ્યા છે.

કાશ્મીરાબેન નથવાણી  ઈ.સ. 1998માં ભાજપમાં બળવો કરનાર શંકરસિંહના પક્ષ રાજપમાંથી રાજકોટ પશ્ચિમ બેઠક પર વજુભાઈ સામે લડયા હતા. ત્યારબાદ ઈ.સ. 2002 અને 2007માં વજુભાઈની સામે કોંગ્રેસે સતત તેમને બે વખત ઉમેદવાર બનાવ્યા હતા. આ ત્રણ ચૂંટણીમાં ભાજપ વિરૂધ્ધ પ્રચાર કરનારા આ રઘુવંશી મહિલા નેતા  હવે આ જ વિસ્તારમાં ભાજપના પ્રમાં જોડાયા છે.

લાખા સાગઠીયા રાજકોટ ગ્રામ્ય બેઠકમાં ઈ.સ. 2012માં રાજકોટ ગ્રામ્ય બેઠક પર ભાજપના ભાનુબેન સામે ચૂટણી લડીને ભારે ટક્કર આપી હતી અને  2017માં તે પક્ષપલ્ટો કરીને ભાજપમાં ભળ્યા, ભાજપે ત્યારે ફટાફટ ટિકીટ પણ આપી દીધી અને હવે આ વખતે તેમનું પત્તુ કાપી નાંખ્યું છે. હવે તે માત્ર કાર્યકર છે અને ૨૦૧૨માં કોંગ્રેસ માટે, ૨૦૧૭માં પોતાના માટે અને હવે ભાજપ માટે મત માંગવા તેમને સેકન્ડ ઈન્ચાર્જ બનાવ્યા છે. 

જયેશ રાદડીયા ઈ. 2007માં રાજકોટ પૂર્વ બેઠક પર ભાજપ સામે પૂરી તાકાતથી ચૂંટણી લડયા હતા, ભાજપ ઉપર પ્રહારો કર્યા હતા પરંતુ, હારી ગયા. બાદમાં તેને પણ ભાજપે પોતાનામાં ભેળવી દીધા અને હવે જેતપુરથી ટિકીટ અપાઈ છે.  દિનેશ ચોવટીયાને હજુ ગત ચૂંટણી 2017 માં કોંગ્રેસે રાજકોટ દક્ષિણમાં ટિકીટ આપી હતી, ભાજપ સામે આક્ષેપોનો મારો ચલાવીને તેઓ ચૂંટણી લડયા અને હાર્યા. હવે આ જ વિસ્તારમાં જઈને તે ભાજપમાં કાર્યકર તરીકે ભળી ગયા છે. 

આમ, રાજકોટ જેવા ગઢમાં પણ ભાજપને ચૂંટણી જીતવા કોંગ્રેસ મૂળના નેતાઓનો સાથ લેવો પડયો છે. 

સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, જેતપુર, જસદણ, જામનગર ગ્રામ્ય, જામનગર ઉત્તર, જસદણ, માણાવદર, જામનગર, ધારી, લીમડી, લાઠી, મોરબી વગેરે બેઠકો જીતવા ત્યાંના ધારાસભ્યને  ભાજપે પક્ષપલ્ટો કરાવ્યો છે. આ પૈકી મોરબીના બ્રિજેશ મેરજાને પક્ષપલ્ટા બાદ વિરોધવંટોળ વચ્ચે કામચલાઉ સમય માટે ધારાસભ્ય અને મંત્રી પણ બનાવ્યા પરંતુ, આ વખતે ટિકીટમાં પત્તુ કાપી નાંખ્યું છે. આ જ રીતે જામનગરમાં હકુભા (ધર્મેન્દ્રસિંહ) જાડેજાનું પણ પત્તુ કાપ્યું છે અને હવે ભાજપના ઉમેદવારને જીતાડવા ઈન્ચાર્જ બનાવ્યા છે. લિમડીના સોમા પટેલે તો ચોટીલામાં અપક્ષ ઉમેદવારીનું ફોર્મ ભરવું પડયું હતું. 

જસદણ, જેતપુર, માણાવદર, ધારી, જામનગર ગ્રામ્ય અને તાલાલા એ અર્ધો ડઝન બેઠક ઉપર મૂળ ચૂસ્ત કોંગ્રેસના નેતાઓ અને ભાજપ પર આરોપો-આક્ષેપોની ઝડી વરસાવનારા હવે ભાજપ માટે લડી રહ્યા છે. સામ, દામ, દંડ, ભેદથી આટલા આટલા પક્ષપલ્ટા પછી પણ સૌરાષ્ટ્રમાં ભાજપને કેટલી બેઠકો મળશે તે કહેવું મૂશ્કેલ છે.

Gujarat