રાજકોટના વેપારીનું રૂા. 1.30 કરોડનું સોનુ સેલ્સમેન ઓળવી ગયો

કૌભાંડોના હબમાં વધુ એક આર્થિક કૌભાંડ : સેલ્સમેને શરૂઆતમાં સોનુ લઇ નિયમિત પેમેન્ટ કરી વિશ્વાસ સંપાદન કરી લીધા બાદ છેતરપિંડી કરી
રાજકોટ, : કોટેચાનગર-8માં રહેતા અને અમીન માર્ગ પર એવીક્સ જ્વેલર્સ નામની દુકાન ધરાવતા ભરતભાઇ ભગવાનજીભાઈ પાલા (ઉ.વ. 55)ને ત્યાં સેલ્સમેન તરીકે કામ કરતો નીખિલ દિનેશભાઈ કાત્રોડિયા (રહે. કુંભારવાડા શેરી નં. 2, વૃંદાવન એપાર્ટમેન્ટ) સોનુ વગેરે મળી રૂા. 1.29 કરોડની મત્તા ઓળવી ગયાની માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.
જેમાં ભરતભાઈએ જણાવ્યું છે કે 2023ની સાલમાં તેણે કંપની શરૂ કરી હતી. જેમાં એમડી તરીકે તે જ્યારે પત્ની અને સંતાનો ડીરેક્ટર તરીકે છે. 2024માં તેની કંપનીએ રાજકોટની વી.કે. જ્વેલર્સ સાથે વેપાર કરવાનું નક્કી કર્યું હતું. જે મુજબ તેના દ્વારા એક સેલ્સમેન આપવાનું નક્કી થયું હતું. જેનું કામ સોનુ વેચવાનું અને નવા ગ્રાહકો શોધવાનું હતું.
સેલ્સમેન તરીકે નીખિલ તેની કંપનીમાં રહ્યો હતો. જેણે 11 મહિના સુધી વી.કે. જ્વેલર્સ વતી કામ કર્યું હતું. ત્યાર પછી તેને કહ્યું કે તેની આદિત્ય ઓર્નામેન્ટ કંપની પાસે ઘણા ગ્રાહકો છે. જો તમે બાકીમાં સોનુ આપો તો તેને વેચીને હું વધારે નફો આપીશ. બદલામાં એક ટકો કમિશન રાખીશ. જેની સાથે સહમત થતાં નીખિલે તેની પાસેથી સોનુ લેવાનું શરૂ કરી સમયસર પેમેન્ટ કરી વિશ્વાસ સંપાદન કરી લીધો હતો.
છેલ્લે કટકે-કટકે તેની પાસેથી રૂા. 1 કરોડનું 719 ગ્રામ સોનુ, દાગીનામાં રહેલ ડાયમંડ અને હોલમાર્ક ચાર્જના રૂા. 75,000 અને રૂા. 28 લાખનું 246 ગ્રામ સોનુ લીધું હતું. આ રીતે તેને તેની પાસેથી રૂા. 1.29 કરોડ લેવાના હતા. પરંતુ આજ સુધી પેમેન્ટ આપ્યું ન હતું. એટલું જ નહીં ખોટા વાયદા કરતો હોવાથી આખરે તેના વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. માલવિયાનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.








