Rajkot News: ગુજરાતમાં વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્તો ધામધૂમથી થતા હોવા છતાં, સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ અને આસપાસના લાખો લોકોના મૂળભૂત પ્રશ્નો હજુ અણઉકેલ છે. આ સ્થિતિમાં રાજકોટ રેલવે સ્ટેશન પર પોરબંદરની લોકલ ટ્રેન શરૂ કરવાના એક કાર્યક્રમમાં ખુદ ભાજપના સાંસદ રામભાઈ મોકરિયાએ કેન્દ્રીય મંત્રીને ઉદ્દેશીને કરેલી જાહેરમાં ટકોર ચર્ચાનું કેન્દ્ર બની છે.
લોકોને મૂશ્કેલી છતાં હજુ ટ્રેન મળી નથી
પોરબંદરની લોકલ ટ્રેનના કાર્યક્રમમાં હાજર કેન્દ્રીય મંત્રીને સંબોધતા સાંસદ રામભાઈ મોકરિયાએ રાજકોટની લાંબા સમયથી પડતર માંગણી તરફ ધ્યાન દોર્યું હતું. તેણે જણાવ્યું હતું કે, 'લાંબા સમયથી લોકોની માંગણી છે ત્યારે હવે તો હરિદ્વારની ટ્રેન આપો તેવી વિનંતિ છે. મિડિયાવાળા કહે છે કે રામભાઈનું કાંઈ ઉપજતું નથી અને એ વાત પણ સાચી હશે.' સાંસદના આ નિવેદને રાજકોટની જનતાની પડતર માંગણીઓ પ્રત્યેનો અસંતોષ ખુલ્લા મંચ પર વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: વધતા પ્રદૂષણની અસર : ગુજરાતમાં શ્વાસની સમસ્યાના દર્દીઓ વધ્યા, દરરોજ સરેરાશ 340 કેસ
હરિદ્વાર-ઋષિકેશ ટ્રેનનો પ્રશ્ન
રાજકોટથી હરિદ્વાર-ઋષિકેશની દૈનિક ટ્રેનની માંગણી વર્ષો જૂની છે, કારણ કે હજારો યાત્રીઓ ધાર્મિક અને પ્રવાસના હેતુથી નિયમિત આ સ્થળે જાય છે. હાલ રાજકોટથી દર સપ્તાહે માત્ર એક દિવસ જ અને તે પણ હરિદ્વાર સુધી જ ટ્રેન જાય છે. 24 ડબ્બાની આ ટ્રેન દર વખતે ભરેલી જ રહેતી હોવાથી સામાન્ય લોકોને ટિકિટ મેળવવામાં ભારે પરેશાની થાય છે અને પવિત્ર યાત્રાસ્થળે જવામાં મુશ્કેલી પડે છે.
અગાઉના ભાજપ સરકારના જ સાંસદો, મંત્રીઓ અને ચેમ્બર ઓફ કોમર્સ સહિત અનેક સંસ્થાઓએ આ અંગે વારંવાર રજૂઆતો કરી છે. રેલવેને પૂરતો ટ્રાફિક મળે છે, છતાં રેલવે દ્વારા માત્ર ખાતરી અપાય છે, ટ્રેન અપાતી નથી. સાંસદ રામભાઈ મોકરિયાએ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને ખુલ્લા મંચ પરથી આ અંગે કંઈક નક્કર કાર્યવાહી કરવા માટે ભારપૂર્વક ટકોર કરી હતી.


