રાજકોટની બી.એ. ડાંગર કોલેજના વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર, કોલેજ સંચાલકોના ત્રાસથી પગલું ભર્યાનો આક્ષેપ
Rajkot News : રાજકોટ શહેરની જાણીતી બી.એ. ડાંગર કોલેજ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. કોલેજમાં હોમિયોપેથીનો અભ્યાસ કરતા ધર્મેશ કળસરિયા નામના વિદ્યાર્થીએ કોલેજ સંચાલકોના કથિત ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો હોવાનો આક્ષેપ થતાં ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
મળતી માહિતી મુજબ ધર્મેશ કળસરિયા બી.એ. ડાંગર કોલેજમાં અભ્યાસ કરતો હતો. તેના પરિવારજનો અને મિત્રોનો આક્ષેપ છે કે કોલેજ સંચાલકો દ્વારા તેને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, જેના કારણે તેણે આ અંતિમ પગલું ભરવાની ફરજ પડી. આ ઘટના બાદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ કોલેજ અગાઉ પણ અનેક વિવાદોમાં સપડાઈ ચૂકી છે. પોલીસે આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે.