Gujarat

રાજકોટ એરપોર્ટ પરથી ₹5 કરોડનું 180 કિલો ચાંદી ઝડપાયું, GST ચોરીની આશંકાએ ATS-ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન

By GS TEAM
17 May 20262 mins read
TukuTouch Logo
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને રાજકોટ સિટી ક્રાઈમ બ્રાન્ચે એક સંયુક્ત અને સફળ ઓપરેશન હાથ ધરીને રાજકોટ એરપોર્ટ પરથી કરોડો રૂપિયાનું બિનહિસાબી ચાંદી ઝડપી પાડ્યું છે. એર કાર્ગો મારફતે લવાયેલા અંદાજે 180 કિલોગ્રામ ચાંદીના જથ્થા સાથે એક સ્થાનિક વેપારીની અટકાયત કરવામાં આવી છે. બજારમાં આ ચાંદીની કિંમત આશરે ₹5 કરોડ હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજકોટ એરપોર્ટ પરથી ₹5 કરોડનું 180 કિલો ચાંદી ઝડપાયું, GST ચોરીની આશંકાએ ATS-ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન

Rajkot Airport Silver Haul: ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને રાજકોટ સિટી ક્રાઈમ બ્રાન્ચે એક સંયુક્ત અને સફળ ઓપરેશન હાથ ધરીને રાજકોટ એરપોર્ટ પરથી કરોડો રૂપિયાનું બિનહિસાબી ચાંદી ઝડપી પાડ્યું છે. એર કાર્ગો મારફતે લવાયેલા અંદાજે 180 કિલોગ્રામ ચાંદીના જથ્થા સાથે એક સ્થાનિક વેપારીની અટકાયત કરવામાં આવી છે. બજારમાં આ ચાંદીની કિંમત આશરે ₹5 કરોડ હોવાનું અંદાજવામાં આવી રહ્યું છે.

ગુપ્ત માહિતીના આધારે ગોઠવાયું વોચ

ગુજરાત ATSને એક ચોક્કસ અને અત્યંત ગોપનીય માહિતી મળી હતી કે એર કાર્ગો (હવાઈ માર્ગ) મારફતે રાજકોટ એરપોર્ટ પર મોટા પ્રમાણમાં ચાંદીનો શંકાસ્પદ જથ્થો આવી રહ્યો છે, જે રાજકોટના જ એક સ્થાનિક આસામીને ડિલિવરી આપવાનો છે. માહિતીની ગંભીરતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ATSની એક ટીમ તાત્કાલિક રાજકોટ જવા રવાના થઈ હતી અને રાજકોટ સિટી ક્રાઈમ બ્રાન્ચને પણ એલર્ટ કરી ઓપરેશનમાં સાથે જોડી હતી.

એરપોર્ટ પર જ રિસીવર આબાદ ઝડપાયો

ATS અને ક્રાઈમ બ્રાન્ચે એરપોર્ટ પર વોચ ગોઠવીને ચાંદીનો આ મોટો જથ્થો સ્વીકારવા આવેલા સ્થાનિક વ્યક્તિને રંગેહાથ આંતરી લીધો હતો. તેની હાજરીમાં જ એર કાર્ગોના પાર્સલ ખોલીને તપાસ કરવામાં આવતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. પાર્સલમાંથી અંદાજે 180 કિલોગ્રામ ચાંદી મળી આવ્યું હતું.

અધૂરા દસ્તાવેજો અને ટેક્સ ચોરીનું કૌભાંડ

જ્યારે પોલીસે પકડાયેલા વ્યક્તિ પાસે ચાંદીના આ કન્સાઇનમેન્ટને લગતા કાયદેસરના કાગળો અને બિલની માંગણી કરી, ત્યારે તપાસ દરમિયાન તમામ દસ્તાવેજો અધૂરા અને શંકાસ્પદ જણાયા હતા. પ્રાથમિક તપાસમાં આ આખો મામલો મોટા પાયે જીએસટી અને ટેક્સ ચોરીનો હોવાનું સામે આવ્યું હતું.

તપાસ સ્ટેટ GST વિભાગને સોંપાઈ

આ સમગ્ર મામલો ટેક્સ ચોરી અને GSTના નિયમોના ઉલ્લંઘન સાથે જોડાયેલો હોવાથી, ઓપરેશન સફળ રહ્યા બાદ સ્ટેટ GST વિભાગના ઉચ્ચ અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તેમને સમગ્ર મામલાની વિગતવાર બ્રીફિંગ આપવામાં આવી હતી. જરૂરી કાયદાકીય ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ, ઝડપાયેલું ચાંદી અને આગળની ઊંડાણપૂર્વકની તપાસ હવે સ્ટેટ જીએસટી વિભાગને સોંપી દેવામાં આવી છે.

આ મામલે હવે જીએસટી વિભાગ વેપારીની આકરી પૂછપરછ કરી રહ્યું છે કે આ ચાંદી ક્યાંથી આવ્યું હતું અને તેનો અસલી માલિક કોણ છે.

આ પણ વાંચો: ગુજરાત પહોંચ્યું LPG ટેન્કર! દુનિયાના સૌથી ખતરનાક દરિયાઈ રસ્તેથી ભારત આવ્યું રાંધણ ગેસ

વારાણસી કનેક્શન અને વેપારીની ઓળખ

મળતી માહિતી અનુસાર, ચાંદીનો આ વિશાળ જથ્થો ઉત્તર પ્રદેશના વારાણસીથી રાજકોટ મોકલવામાં આવ્યો હતો. વારાણસીની 'સનરાઈઝ પેઢી' નામના વેપારી દ્વારા આ જથ્થો મોકલાયો હોવાનું ખૂલ્યું છે. આ જથ્થો રાજકોટના સામાકાંઠા વિસ્તારના એક જાણીતા ચાંદીના વેપારીનો હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે.