રાજકોટ એઈમ્સના પ્રેસિડેન્ટ ડો.વલ્લભ કથીરિયાએ અચાનક રાજીનામું આપ્યું, રાજકારણમાં ખળભળાટ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ડો. કથીરિયાનું રાજીનામું મંજુર કરતાં હવે રાજકોટ એઈમ્સને નવા પ્રેસિડેન્ટ મળશે
Updated: Sep 1st, 2023
અમદાવાદઃ કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી અને રાજકોટના પૂર્વ સાંસદ ડો. વલ્લભ કથીરિયાને 7 દિવસ અગાઉ જ કેન્દ્ર સરકાર દ્વારા મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. રાજકોટના જામનગર રોડ પર બની રહેલ ગુજરાતની પ્રથમ એઇમ્સના પ્રમુખ તરીકે કેન્દ્ર સરકાર દ્વારા ડો. કથીરિયાની નિમણૂક કરવામાં આવી હતી. ગણતરીના દિવસોમાં જ ડૉ. વલ્લભ કથીરિયાએ અચાનક રાજીનામું આપી દીધું છે. તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કથીરિયાનું રાજીનામું મંજુર પણ કરી દીધું છે. તેમના રાજીનામાથી રાજકારણમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે હવે રાજકોટ એમ્સને હવે નવા પ્રેસિડેન્ટ મળશે. મહત્વનું છે કે, અગાઉ ગૌસેવા આયોગના ગુજરાતના અધ્યક્ષ તેમજ કેન્દ્રના કામધેનુ આયોગના પણ અધ્યક્ષ રહી ચુક્યા છે.
એઈમ્સના નવા પ્રેસિડેન્ટ કોણ હશે તેની ચર્ચાઓ શરૂ
રાજકોટના પૂર્વ સાંસદ ડો. કથિરિયાને અગાઉ ગુજરાત ગૌસેવા આયોગના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતાં. આ ઉપરાંત તેઓ કેન્દ્ર સરકારમાં કામધેનુ આયોગના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. જ્યારે ડો. કથિરિયાની એઈમ્સના પ્રેસિડેન્ટ તરીકે નિમણૂંક કરવામાં આવી હતી ત્યારે તેમણે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રની વાત છે ત્યાં સુધી છેવાડાના માનવી સુધી એઈમ્સમાં સારવાર ફ્રી હોય છે. સારામાં સારી ટેક્નોલોજી, લેટેસ્ટ ટેક્નોલોજી અને સ્પેશિયાલિટી સુપર સ્પેશિયાલિટી અને સુપર સ્પેશિયાલિટીમાં પણ સબ સ્પેશિયાલિટી આવે છે. ઓર્થોપેડિક સર્જન હોય, સ્પાઈન સર્જન હોય. સ્પાઈનમાં પણ નેક્સ સ્પાઇન અને લંબર સ્પાઈનના સર્જન હોય. આ પ્રકારની સબ સ્પેશિયાલિટીની સારવાર સૌરાષ્ટ્રના, ગુજરાતના, કચ્છના દર્દીઓને મળે તે પ્રકારનો મારો પ્રયાસ રહેશે. પરંતુ અચાનક તેમનું રાજીનામું પડતાં હવે એઈમ્સના નવા પ્રેસિડેન્ટ કોણ હશે તેની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.