Gujarat

૧૦૦ લોકો સાથે કરોડની ઠગાઇ કરનારા રાજેન્દ્ર શાહની જામીન અરજી નામંજૂર

By GS TEAM
19 Oct 20251 min read
૧૦૦  લોકો સાથે કરોડની ઠગાઇ કરનારા રાજેન્દ્ર શાહની જામીન અરજી નામંજૂર

વડોદરા : કેનેડા તેમજ લંડનની વર્ક પરમિટ, સ્ટુડન્ટ વીઝા તેમજ વિઝીટર વિઝા અપાવવાનું જણાવી ૧૦૦થી વધુ લોકો સાથે ૪.૬૫ કરોડથી વધુની છેતરપિંડી કરવાના બનાવમાં સંડોવાયેલા સાઇ વિઝા કન્સલટન્સીના રાજેન્દ્ર શાહે ત્રણ જામીન અરજી મુકતા ન્યાયાધીશે તમામ જામીન અરજી નામંજૂર કરી હતી.

બનાવની વિગત એવી છે કે, નિઝામપુરા વિસ્તારમાં સાઇ કન્સલટન્સી નામથી ઓફિસ શરુ કરી રાજેન્દ્ર શાહે અનેક લોકોને લંડન, કેનેડા સહિતના દેશમાં વિઝા અપાવવાની લાલચ આપી માતબર રકમ મેળવી લીધી હતી. જો કે, લોકોને વિઝા મળ્યા ન હતા અને રાજેન્દ્ર શાહે રકમ પણ પરત કરી ન હતી એટલે તેની સામે જવાહરનગર પોલીસ સ્ટેશનમાં, ફતેગંજ પોલીસ સ્ટેશનમાં તેમજ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયા હતા.પોલીસ ધરપકડ બાદ હાલ જેલમાં રહેલા આરોપી રાજેન્દ્ર શાહે જામીન અરજી મુકી હતી.

ન્યાયાધીશે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા બાદ અરજદારની અરજી નામંજૂર કરતા નોંધ્યું હતું કે, અરજદાર મુખ્ય સુત્રધાર છે. તેની સામે રાજ્યના અલગ અલગ પોલીસ સ્ટેસનમાં ૧૭ જેટલા ગુના દાખલ થયેલા છે. ફતેગંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી તેમજ ૯૩ સાહેદ છેતરપિંડીનો ભોગ બન્યાં છે. આજ રીતે જવાહરનગર અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં પણ લાખોની છેતરપિંડી થઇ છે. ન્યાયાધીશે અરજદારની ત્રણે જામીન અરજી નામંજૂર કરી હતી.