રાજદિપસિંહ રીબડાએ ઘરે આવી માથાકૂટ કરતાં ફાયરિંગ કરાવ્યું હતું
- મોસ્ટ વોન્ટેડ હાર્દિકસિંહ જાડેજાની કબૂલાત
- સુરત પોલીસની કાર્યવાહી પૂરી થયા બાદ ગોંડલ તાલુકા પોલીસ રીબડા પેટ્રોલપંપ પરનાં ફાયરિંગના કેસમાં કબજો લેશે
- હાર્દિકસિંહ 16 વર્ષની વયથી ગુનાખોરીના રવાડે ચડી ગયો હતો, 24 વર્ષ સુધીમાં ખૂન સહિતના ૧ર ગુના
રાજકોટ: રીબડામાં અનિરૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ કરાવનાર ગુજરાત પોલીસ માટે મોસ્ટ વોન્ટેડ હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજા (રહે. ભીડભંજન સોસાયટી શેરી નં.ર, યુનિ. રોડ, મૂળ અડવાળ, તા.જામકંડોરણા)ને એસએમસીની ટીમે કેરળના કોચ્ચી ખાતે આવેલી એક હોટલ નજીકથી ઝડપી લીધા બાદ ગાંધીનગર ખાતે લઈ આવી ઘનિષ્ઠ પુછપરછ કરી હતી.
જેમાં હાર્દિકસિંહે, રાજદિપસિંહ રીબડા અને પિન્ટુ ખાટડીએ તેના ઘરે આવી માથાકૂટ કરતાં અને પૈસાની લેતીદેતી બાબતે ચાલતા જૂના વિવાદને કારણે ફાયરિંગ કરાવ્યાની કબુલાત આપી છે. રાજકોટ રૂરલ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે હાર્દિકસિંહ જે ઘટના કહી રહ્યો છે તે પાંચેક વર્ષ પહેલાંની હોવાની માહિતી મળી છે. તે વખતે તે ઘરે પણ હાજર ન હતો. આ બનાવ અંગે પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ ન હતી.
હાર્દિકસિંહ ૧૬ વર્ષનો હતો ત્યારથી ગુનાખોરીના રવાડે ચડી ગયો હતો. હાલમાં તેની ઉંમર ર૪ વર્ષ છે. આ ઉંમર તેના વિરૂધ્ધ ખુન, ખુનની કોશિષ, છેતરપિંડી, અપહરણ, લુંટ, મારામારી અને દારૂના ૧ર ગુના નોંધાઈ ચુકયા છે. તેણે ૧૬ થી ૧૮ વર્ષની વય દરમિયાન જ ચારેક ગુના આચર્યા હતા.
તેના વિરૂધ્ધ ર૦રરની સાલમાં રાજકોટના માલવીયાનગર પોલીસ મથકમાં ખુન અને ખુનની કોશિષનો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં ગુજરાત હાઈકોર્ટમાંથી વચગાળાના પેરોલ પર તા.૧-૯-ર૦ર૪ના રોજ રાજકોટ સેન્ટ્રલ જેલમાંથી છૂટયા બાદ પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયો હતો. આ સમય દરમિયાન જ તેણે રીબડામાં અનિરૂદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ કરાવ્યું હતું.
તેના વિરૂધ્ધ સુરતના રાંદેર પોલીસ મથકમાં લુંટ, ધમકી અને ખુન કરવા માટે અપહરણ કરવા સહિતની કલમો હેઠળ ગઈ તા.ર૯-૧૧-ર૦ર૪ના રોજ ગુનો નોંધાયો હતો. હવે રાંદેર પોલીસે તેનો આ ગુનામાં આજે મોડી સાંજે ગાંધીનગરમાં એસએમસી પાસેથી કબજો લીધો હતો. આ ગુનાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ ગોંડલ તાલુકા પોલીસ તેનો રીબડામાં પેટ્રોલપંપ ઉપર ફાયરિંગ કરાવવાના ગુનામાં કબજો લેશે.
ફરાર રહ્યાના સમય દરમિયાન ધાર્મિક સ્થળોએ ગયો હતો
રાજકોટ: એસએમસીને એવી માહિતી પણ મળી છે કે ફરાર રહ્યાના સમય દરમિયાન હાર્દિકસિંહ કેટલાક ધાર્મિક સ્થળોએ પણ ગયો હતો. એક વખત તે રામેશ્વર ટેમ્પલ સમજી મિનાક્ષી ટેમ્પલમાં પણ જઈ આવ્યો હતો.
ટૂંકા ગાળામાં 15 જેટલાં રાજ્યો ફરી વળ્યો હતો
મિત્રો પાસેથી હોટલના કયુઆર કોડ પર પૈસા મંગાવતો હતો
ફાયરિંગની કબૂલાતનો વીડિયો કયા રાજ્યમાંથી અપલોડ કર્યા હતા તે વિશે અજાણ હોવાનું રટણ
રાજકોટ: એસએમસીની ટીમે હાર્દિકસિંહ પાસેથી એક મોબાઈલ ફોન, રાઉટર, સીમકાર્ડ, આધારકાર્ડ, રોકડા રૂા.૧૬૮૦ કબજે કર્યા છે. તેની પાસેથી મામૂલી કહી શકાય તેટલી રોકડ રકમ કબજે થઈ છે. આ સ્થિતિમાં તે કઈ રીતે સતત બીજા રાજયોમાં ફરતો રહ્યો હતો તે વિશે પ્રશ્નો ઉપસ્થિત થયા છે.
એસએમસીના અધિકારીઓની પુછપરછમાં તેણે એવું કહ્યું છે કે તે મિત્રો પાસેથી પૈસા મંગાવતો હતો. જે હોટલમાં રોકાતો ત્યાં જેટલું ભાડું ચુકવવાનું હોય તેનાથી થોડી વધુ રકમ તે જ હોટલના કયુઆર કોડ ઉપર મિત્રો પાસેથી મંગાવતો હતો. આ રકમમાંથી હોટલનું ભાડું ચુકવી દીધા બાદ બાકીની રકમ લઈ તેના આધારે જુદા-જુદા રાજયોમાં પ્રવાસ કર્યો હતો.
એસએમસીને એવી માહિતી મળી છે કે પોલીસથી બચવા માટે તે સતત ભાગતો રહ્યો હતો. આ રીતે તેણે અંદાજે ૧પ જેટલા રાજયોનો પ્રવાસ કર્યો હતો.
જો કે તેણે રીબડા પેટ્રોલપંપ પરના ફાયરિંગ બાદ સોશિયલ મીડિયા પરના વીડિયો કયા શહેરમાંથી અપલોડ કર્યા હતા તે વિશે યાદ નહીં હોવાનું રટણ કર્યું છે. ગોંડલ તાલુકા પોલીસ તેનો કબજો મેળવે પછી આ બાબતે ખુલાસો થશે.
ઉલ્લેખનીય છે કે હાર્દિકસિંહ પાસે પૈસાની તંગી રહેતી હોવાનું તારણ નીકળ્યું છે. આ જ કારણથી તેણે ફાયરિંગ કરનાર ભાડુતી આરોપીઓને પણ વાયદા મુજબની રકમ ચુકવી ન હતી.