લીંબડી હાઇવે પર એક કરોડના દારૂ સાથે રાજસ્થાનનો શખ્સ ઝડપાયો
- દારૂ, કન્ટેનર સહિત રૂ. 1.13 કરોડનો મુદ્દામાલ જપ્ત
- બિકાનેરના શખ્સે હરિયાણાના અંબાલાથી દારૂનો જથ્થો કન્ટેનરમાં ભરાવી રાજકોટ તરફ મોકલ્યો હતો
લીંબડી : અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર પાણશીણા પોલીસે લીંબડી નજીકથી એક કરોડથી વધુનો વિદેશી દારૂનો જથ્થા સાથે રાજસ્થાનના શખ્સને ઝડપી પાડયો હતો. ઝડપાયેલા શખ્સો પાસેથી પોલીસે વિદેશી દારૂની ૭૯૪૪ બોટલ, મોબાઈલ અને કન્ટેનર ટ્રક મળીને કુલ રૂપિયા ૧.૧૩ કરોડનો મુદામાલ કબજે કરી ગુનો નોંધ્યો હતો.
પાણશીણા પોલીસ સ્ટેશનનાં પીઆઈ સહિતના પોલીસ સ્ટાફે પાણશીણા ચેક પોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન બાતમી મળી હતી કે એક ટ્રેઈલર કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને અમદાવાદથી રાજકોટ તરફ જવા નીકળે છે. બાતમીના આધારે પોલીસે ચેક પોસ્ટ પર વોચ ગોઠવીને આડસ મુકીને બાતમી વાળા ટ્રેઈલર કન્ટેઈનર ચાલકને ઉભો રાખવા ઇશારો કર્યો હતો પરંતુ તે ઉભો રહ્યો ન હતો અને નાસી છુટયો હતો.
પોલીસે પીછો કરીને લીંબડી નજીક હાઈવે પર આવેલી માધવ હોટલ પાસેથી કન્ટેઈનર ચાલક કહેરારામ હરખારામ જાટ (રહે. સેવરોકા બાસ ગામ, તા.લુણાડા, જિ.બાડમેર, રાજસ્થાન)ને ઝડપી પાડયો હતો. ટ્રેઈલર કન્ટેનરની તપાસ હાથ ધરતાં વિદેશી દારૂની ૭૯૪૪ બોટલ (કિં.રૂ.૧,૦૧,૮૩,૨૦૦), એક ટ્રેઈલર કન્ટેનર (કિં.રૂ.૧૨ લાખ) અને એક મોબાઈલ કિ.રૂ. ૫,૦૦૦ મળીને કુલ રૂપિયા ૧,૧૩,૮૮,૨૦૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો અને ક્યાં લઈ જવાનો હતો તે અંગેની પુછપરછ કરતાં ચાલકે જણાવ્યું હતું કે રાજપાલ (રહે.બિકાનેર)ના કહેવાથી હરિયાણાના અંબાલા ખાતેથી અજાણ્યા શખ્સ અંબાલા-રાજપુરા રોડ પર આવેલા ટોલ નાકા પાસે અજાણ્યા શખ્સે દારૂનો જથ્થો ભરી આપ્યો હતો. રાજપાલે મને સાયલા પહોંચીને ફોન કરવાનું કહ્યું હતું. જેથી આ દારૂનો કોને આપવાનો છે એ મને ખબર નથી. પાણશીણા પોલીસે કહેરારામ જાટ તથાં દારૂનો જથ્થો ભરી આપનાર તથા મંગવાનાર સહિત તપાસમાં ખુલ્લે તે તમામ શખ્સો વિરૂદ્ધ પાણશીણા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.