ટંકારા નજીક કાર-રોકડની ચોરીમાં રાજસ્થાનનો હિસ્ટ્રીશીટર ઝડપાયો
મોરબી એલસીબી ટીમે છેક રાજસ્થાન સુધી પગેરું દબાવ્યું
25 ગુનામાં સંડોવાયેલા હિસ્ટ્રીશીટરને અફીણનું બંધાણ હોવાથી વાહનોની ચોરી કરીને અફીણ-ગાંજાના ધંધાર્થીઓને સસ્તામાં વેચીને ખર્ચ કાઢતો!
ગત તા.૨૨ એપ્રિલના રોજ મીતાણા નજીક પેટ્રોલપંપના પાકગમાંથી બલેનો કાર તેમજ રોકડ રૂા.૨૫ હજાર અને અગત્યના ડોક્યુમેન્ટ ભરેલો થેલો સહીત કુલ રૂા. ૬.૨૫ લાખની ચોરી થઇ હતી. જે અંગે તપાસમાં એલસીબી ટીમ પણ જોડાઈ હતી. જે ચોરી કરનાર રાજસ્થાનનો વતની હોવાનું અને બલેનો કાર સાથે રાજસ્થાનના રાજસમદ જીલ્લાના ભીમ ખાતે હોવાની બાતમી મળતા ટીમે રાજસ્થાન રેડ કરી આરોપી વિજયસિંહ રામસિંહ રાવત (ઉ.વ.૨૪)ને ઝડપી લીધો હતો. આ સાથે ચોરાઉ કાર, રોકડ, બે મોબાઈલ મળીને કુલ રૂા. ૬.૩૫ લાખનો મુદામાલ કબજે લીધો છે.
આરોપી રીઢો ગુનેગાર હોવાનું ખુલ્યું છે. તેની વિરુદ્ધ રાજસ્થાનના અલગ અલગ પોલીસ મથકમાં ચોરી સહિતના ૨૫ ગુના નોંધાઈ ચુક્યા છે. આરોપી અફીણનો બંધાણી હતો અને કોઈ કામ-ધંધો કરતો ના હતો. રાજસ્થાનના વિવિધ વિસ્તારમાં ચોરી કરતો હતો અને ગુજરાતના હિંમતનગર, ટંકારા ખાતેથી વાહનોની ચોરી કરીને નંબર પ્લેટ કાઢી રાજસ્થાનમાં અફિણ-ગાંજાનો ગોરખધંધો કરતા ઈસમોને સસ્તા ભાવે ગાડીઓ વેચી નાખતો હતો અને એ રૂપિયાથી પોતાના મોજશોખ અને વ્યસન પાછળ ખર્ચ કરતો હોવાની કબુલાત આપી છે.