રાજસ્થાનની યુવતીએ વડોદરાથી IPL રમી ચૂકેલા ખેલાડી સામે દુષ્કર્મ-ઠગાઈની ફરિયાદ નોંધાવી
Vadodara Cricketer Agaist Complaint : આઈપીએલ રમી ચૂકેલા શિવાલીક શર્મા પર લગ્નના બહાને એક મહિલા પર બળાત્કાર કરવાનો આરોપ લાગ્યો છે. જોધપુરના કુડી ભગત સુની પોલીસ સ્ટેશને આ મામલે ગુનો નોંધાયો છે. પિડીતાનો આરોપ છે કે, સગાઈ નક્કી કરી લગ્નના વચન પર શારીરિક સબંધો બનાવ્યા બાદ સબંધ તોડી નાખવામાં આવ્યો હતો.
શિવાલીક ઓલરાઉન્ડર તરીકે મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ રહ્યો છે. વર્ષ 2023માં સગાઈ નક્કી થઈ હતી અને વર્ષ 2024માં પિડીતા અને તેના પરિવારને વડોદરા બોલાવવામાં આવ્યા હતા. પરંતુ શિવાલીકના પરિવારે સગાઈનો ઈન્કાર કરી દીધો હોવાનો આક્ષેપ છે.
હાલમાં કેસની સમગ્ર તપાસ ચાલી રહી છે. આ સંદર્ભમાં સાક્ષીઓના નિવેદનો લેવામાં આવી રહ્યા છે. જો કે પોલીસે આ કેસમાં હજુ શિવાલીકની ધરપકડ કરી નથી. તેમજ કોર્ટે શિવાલીકને હાજર થવા માટે સમન્સ જારી કર્યું છે.
નોંધનીય છે કે, વડોદરાના રહેવાસી શિવાલીક શર્માએ વર્ષ 2018માં રણજી ટ્રોફી થકી કારકિર્દીની શરૂઆત કરી હતી. હાલમાં તે ક્રિકેટથી દૂર છે. પરંતુ તેની સામેના આરોપોએ ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે.