ખોડીયાર ધામ નિકોલમાં વરસાદી પાણી ફરી વળ્યા, સરેરાશ એક ઈંચ વરસાદમાં શહેર બેહાલ,આઈકોનિક રોડ પણ પાણીમાં
રાણીપ અને સરદારનગરમાં બે ઈંચથી વધુ વરસાદ, અખબારનગર સહીત બે અંડરપાસ વાહનવ્યવહાર માટે બંધ કરાયા પછી ખોલાયા
અમદાવાદ,શનિવાર,23
ઓગસ્ટ,2025
અમદાવાદમાં શનિવારે બપોરે અંધારપટની વચ્ચે અનેક વિસ્તારમાં
ભારે ગાજવીજ અને કડાકા સાથે વરસાદ ખાબકયો હતો. નિકોલ વિસ્તારમાં એક ઈંચ
વરસાદમાં ખોડીયારધામમાં વરસાદી પાણી ફરી
વળ્યા હતા. એરપોર્ટ સર્કલથી ડફનાળા સુધી રુપિયા ૪૩ કરોડના ખર્ચે બનાવાયેલ આઈકોનિક
રોડ પણ પાણીમાં ગરકાવ થયો હતો. રાણીપ અને સરદારનગરમાં રાત સુધીમાં બે ઈંચ વરસાદ
વરસ્યો હતો. ભારે વરસાદના પગલે અખબારનગર અંડરપાસ અને ગિન્ની લેક ગાર્ડન અંડરપાસ
બપોરના સમયે વાહનવ્યવહાર માટે બંધ કરાયો હતો. પાણી નિકાલ પછી પૂર્વવત કરાયા હતા.
થલતેજ સહીતના અનેક વિસ્તારમાં વરસાદ બંધ થયાના કલાકો સુધી વરસાદી પાણીનો નિકાલ થઈ
શકયો નહોતો.સવારના ૬થી રાતના ૮ કલાક સુધીમાં સરેરાશ ૨૮.૨૧ મિલીમીટર વરસાદ થતા
મોસમનો કુલ ૩૧.૬૨ ઈંચ વરસાદ થવા પામ્યો હતો.
મ્યુનિસિપલ કોર્પોરેશનનુ આખુ વહીવટી તંત્ર સોમવારે નિકોલ
ખાતે આયોજિત કાર્યક્રમમાં જોતરી દેવાયુ છે. આ પરિસ્થિતિમાં શનિવારે બપોરે બે
કલાકના સુમારે નિકોલ,ઉસ્માનપુરા, રાણીપ ઉપરાંત
નવરંગપુરા,મોટેરા, બોડકદેવ,ચાંદલોડીયા
સહીતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા નિચાણવાળા ૩૦થી વધુ સ્થળોએ વરસાદી
પાણી ફરી વળ્યા હતા. એક કલાકના સમયમાં પડેલા વરસાદને પગલે સરદારનગર વિસ્તારમાં સૌથી વધુ કફોડી હાલત જોવા મળી હતી.
આ વોર્ડમાં એક કલાકમાં ૪૨ મિલીમીટર જેટલો વરસાદ ખાબકયો હતો. આ તરફ મિઠાખળી અંડરપાસ
પાસે આશ્રમરોડ ખાતે એક વિશાળ વૃક્ષ રીક્ષા ઉપર પડતા ફાયર વિભાગની મદદ લેવામાં આવી
હતી.ઈન્દિરાબ્રિજ વિસ્તાર ઉપરાંત હાંસોલ અને કુબેરનગર તથા માયા સિનેમા રોડ ઉપર
ભારે વરસાદના કારણે રોડ ઉપર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.
લોકોના રહેઠાણ અને દુકાનો સુધી ગટર અને વરસાદના પાણી બેક
મારતા લોકો બહાર પણ ના નીકળી શકે એવી પરિસ્થિતિ જોવા મળી હતી.નિકોલમાં કરોડોના
ખર્ચે સ્ટ્રોમ વોટરલાઈન નાંખવામાં આવી હોવાનો દાવો કરનારા સત્તાધીશોની પોલ ભારે
વરસાદે ખોલી નાંખી હતી. એટલુ જ નહીં પરંતુ ખોડીયારધામ ખાતે વરસાદી પાણી ફરી વળતા
તમામના મોં વીલા જોવા મળ્યા હતા. મેમનગર ઉપરાંત નવરંગપુરા ,ચાણકયપુરી વિસ્તારમાં રોડ ઉપર વરસાદના પગલે રોડ ઉપ પાણી
વહેતા જોવા મળ્યા હતા.રાતે આઠ કલાકે વાસણા બેરેજ ખાતે પાણીનુ લેવલ ૧૨૫.૨૫ ફુટ
નોંધાયુ હતુ.બેરેજના ગેટ નંબર-૫થી ૨૮ છ ફુટ ખોલવામાં આવ્યા હતા.સંત સરોવરમાં ૧૭,૯૯૭ કયુસેક
પાણીની ઈનફલો હતો.નદીમાં ૬,૮૭૬ કયુસેક
આઉટફલો હતો.વાસણા બેરેજના કુલ ૨૪ ગેટ ખોલી પાણી નિકાલ કરાયો હતો.
કયાં કેટલો વરસાદ?
વિસ્તાર
વરસાદ(મિ.મી.)
ચકુડીયા ૨૧
વિરાટનગર ૨૪
નિકોલ ૨૮
રામોલ ૩૨
વસ્ત્રાલ ૨૧
ઉસ્માનપુરા ૩૫
ચાંદખેડા ૪૩
રાણીપ ૫૪
મોટેરા ૩૫
નવરંગપુરા ૨૯
બોડકદેવ ૩૧
સાયન્સ સિટી ૨૬
થલતેજ ૪૫
ચાંદલોડીયા ૪૨
મેમનગર ૩૫
બાકરોલ ૪૫
સરખેજ ૧૯
જોધપુર ૧૮
દાણાપીઠ ૨૬
દૂધેશ્વર ૩૮
કાલુપુર ૨૬
અસારવા ૨૭
મેમ્કો ૨૮
નરોડા ૪૪
સરદારનગર ૫૦
હંસપુરા ૪૦
મણિનગર ૨૨
વટવા ૨૨
લાંભા ૧૮
સરેરાશ ૨૮.૨૧