સ્માર્ટ સિટી સુરતમાં વરસાદી ઝાપટાંએ મનપાનાં પ્રિ-મોન્સુનની પોલ ખોલી : ભીમનગર અને ઉધના ગરનાળામાં વરસાદી પાણીનો ભરાવો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Corporation Pre Monsoon : સ્માર્ટ સિટી સુરતમાં દર વર્ષે ચોમાસાનાં પ્રારંભ સાથે જ સેંકડો પરિવારો પર ખાડીપુરની જોખમ તોળાતું હોય છે. આ સ્થિતિને ખાળવા માટે અને નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીના ત્વરિત નિકાલ માટે મહાનગર પાલિકા દ્વારા દર વર્ષે કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે. પ્રિ-મોન્સુન કામગીરીનાં રૂપાડાં નામ સાથે ચાલતી આ કામગીરી માત્ર કાગળ પરનો વાઘ પુરવાર થતી હોય છે. આ વખતે પણ પ્રિ-મોન્સુન કામગીરીનાં નામે નરી વેઠ ઉતારવામાં આવી હોય તેવું ફલિત થઈ રહ્યું છે.
ગત મોડી રાત્રે સુરત શહેરમાં ભારે ગાજવીજ સાથે ઠેર-ઠેર વરસાદ પડતાં એક તબક્કે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી જવા પામી છે પરંતુ બીજી તરફ નિચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિને કારણે સ્થાનિક રહેવાસીઓની હાલત રાબેતા મુજબ કફોડી થવા પામી છે. ખાસ કરીને ઉધના વિસ્તારમાં ભીમનગર અને ડિંડોલી-ઉધના ગરનાળામાં પાણીનો ભરાવો થતાં સોશિયલ મિડિયામાં સુરત મહાનગર પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી સામે નાગરિકોએ વેધક પ્રશ્નો ઉઠાવ્યા હતા. ગત રોજ શાસકો દ્વારા પ્રિ-મોન્સુન કામગીરીની સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં અધિકારીઓ પુરતી તૈયારી વગર પહોંચ્યા હોવાને કારણે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન રાજન પટેલ દ્વારા અધિકારીઓનો રીતસરનો ઉઘડો લેવામાં આવ્યો હતો. અલબત્ત, ગત રાત્રે વરસાદી ઝાંપટામાં જ પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી જવા પામી છે.
ઉઘના ખાતે આવેલ ભીમનગર ગરનાળામાં તો બેથી ત્રણ ફુટ સુધી પાણી ભરાવવાનાં કારણે વાહન ચાલકો દયનીય સ્થિતિમાં મુકાયા હતા. ગરનાળામાંથી પસાર થતાં મોપેડ-બાઈક સહિત ઓટો રિક્ષા પણ અધવચ્ચે જ બંધ થઈ જતાં લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી. આ સ્થિતિમાં હજી ચોમાસાનું સત્તાવાર આગમન થયું નથી ત્યારે જ આ સ્થિતિ છે તો ચોમાસામાં તો શહેરીજનોની હાલત વધુ કફોડી થશે તેવો આક્રોશ પણ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો.









