Gujarat

વર્ષો બાદ રાજ્ય સરકાર જાગી: ચોમાસામાં ઘેડ પંથકમાં ભરાતા વરસાદી પાણીના નિકાલની યોજનાને કાગળ પર મંજૂરી

By GS TEAM
13 Mar 20262 mins read
TukuTouch Logo
સૌરાષ્ટ્રના સોરઠી અને બરડા ઘેડ વિસ્તારના ખેડૂતો દાયકાઓથી ચોમાસાના 4-5 મહિના જળબંબાકારની સ્થિતિમાં કાઢે છે. વર્ષોની રજૂઆતો બાદ હવે રાજ્ય સરકાર આળસ મરોડીને જાગી હોય તેમ જણાય છે. સરકાર દ્વારા આ વિસ્તારમાં વરસાદી પાણીના કાયમી નિકાલ માટે કુલ 1,423.4 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી કામગીરી 'યુદ્ધના ધોરણે' શરૂ કર્યાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, પ્રોજેક્ટના ટાઈમલાઈન જોતા ખેડૂતોને તાત્કાલિક રાહત મળે તેવી શક્યતા ઓછી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વર્ષો બાદ રાજ્ય સરકાર જાગી: ચોમાસામાં ઘેડ પંથકમાં ભરાતા વરસાદી પાણીના નિકાલની યોજનાને કાગળ પર મંજૂરી

Rainwater Flooding Problem In Ghed Area : સૌરાષ્ટ્રના સોરઠી અને બરડા ઘેડ વિસ્તારના ખેડૂતો દાયકાઓથી ચોમાસાના 4-5 મહિના જળબંબાકારની સ્થિતિમાં કાઢે છે. વર્ષોની રજૂઆતો બાદ હવે રાજ્ય સરકાર આળસ મરોડીને જાગી હોય તેમ જણાય છે. સરકાર દ્વારા આ વિસ્તારમાં વરસાદી પાણીના કાયમી નિકાલ માટે કુલ 1,423.4 કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી કામગીરી 'યુદ્ધના ધોરણે' શરૂ કર્યાનો દાવો કરવામાં આવ્યો છે. જોકે, પ્રોજેક્ટના ટાઈમલાઈન જોતા ખેડૂતોને તાત્કાલિક રાહત મળે તેવી શક્યતા ઓછી છે.

કરોડોના બજેટની જાહેરાત, પણ અમલ ક્યારે?

જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે આપેલી વિગતો મુજબ, ઘેડ વિસ્તારની સમસ્યા માટે ફેઝ-1, 2 અને 3 માં કામોનું આયોજન છે. જાન્યુઆરી- 2025 માં સોરઠી ઘેડ માટે 1,184.18 કરોડ અને બરડા ઘેડ માટે 350.01 કરોડની સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ હતી. જેમાંથી ફેઝ-1 ના 17 કામો માટે એપ્રિલ- 2025 માં 139.42 કરોડની વહીવટી મંજૂરી મળી છે. હાલમાં નદી અને કેનાલોના ખોદાણની કામગીરી પ્રગતિ હેઠળ છે, પરંતુ આ કામો પૂર્ણ થતા ચોમાસા- 2026 સુધીનો સમય લાગશે.

ફેઝ- 2 માટે IIT ગાંધીનગરનો રિવ્યુ

પ્રોજેક્ટના બીજા તબક્કા માટે કન્સલટન્ટના રિપોર્ટને IIT ગાંધીનગર પાસે રિવ્યુ કરાવાયો છે. ફેઝ- 2 હેઠળ સોરઠી ઘેડ માટે 1,118.54 કરોડ અને બરડા ઘેડ માટે 304.86 કરોડ ખર્ચવામાં આવશે. જેમાં કેટલાક મહત્વનાૉકામોનું આયોજન છે. જેમ કે નદી કાંઠાનું પ્રોટેક્શન અને જૂના ટાઈડલ રેગ્યુલેટરનું નવીનીકરણ. સાંકળા પુલિયા (સી.ડી. વર્ક્સ) તોડીને મોટા ગાળાના નવા બાંધકામો કરવા. અને નદીઓ અને વોંકળાઓનું ડિસિલ્ટીંગ અને જંગલ કટિંગ.

ખેડૂતોની સ્થિતિ: હજુ બે વર્ષનો ઇન્તજાર

જૂનાગઢના કેશોદ, માણાવદર, માંગરોળ અને પોરબંદરના રાણાવાવ, કુતિયાણા પંથકની ભાદર, ઓઝત, મધુવંતી જેવી નદીઓ કાંઠા વગરની હોવાથી દર વર્ષે ખેતરો બેટમાં ફેરવાય છે. સરકારે ભલે 1,423.4 કરોડ મંજૂર કર્યા હોય, પરંતુ ફેઝ- 2 ના કામો પૂર્ણ થતા હજુ બે વર્ષ જેટલો સમય લાગશે. આનો અર્થ એ થયો કે 2026 ના ચોમાસામાં પણ ખેડૂતોએ પાક નિષ્ફળ જવાની અને જમીન ધોવાણની ભીતિ વચ્ચે જ રહેવું પડશે.

આ પણ વાંચો: 586 પાથરણાવાળાઓને ભદ્ર પરિસરમાં ફરી જગ્યા આપો: ગુજરાત હાઈકોર્ટનો AMCને આદેશ

ભૂતકાળમાં પણ બંઘારા અને ડ્રેઇનો બનાવવામાં આવ્યા હતા, પરંતુ યોગ્ય જાળવણીના અભાવે તે કાંપથી ભરાઈ ગયા છે. હવે આ નવો મસમોટો પ્રોજેક્ટ કાગળ પરથી ઉતરીને ક્યારે જમીન પર કાયમી રાહત આપે છે તે જોવું રહ્યું.