સુરેન્દ્રનગર નવા જંકશન વિસ્તારની 5 સોસાયટીમાં વરસાદી પાણી ભરાયા
- વર્ષો જુની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા રહીશોની માંગ
- ડેપ્યુટી કમિશનર અર્જુન ચાવડાએ સરકારી ગાડીમાં સ્થળ મુલાકાત કરી, કારમાંથી નીચે નહીં ઉતરતા રહિશોમાં રોષ : માત્ર મુલાકાત લઈ સંતોષ માન્યા
નવા જંકશન વિસ્તારમાં અંધ વિધાલય રોડ પર આવેલી રામનગર, વિવેકાનંદ-૦૧, ૦૨ સહિતની અંદાજે ૦૫થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા નહીં હોવાથી દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાઈ જતા લોકો હાલાકી ભોગવે છે. ત્યારે ચાલુ વર્ષે પણ ચોમાસામાં વરસાદને પગલે આ વિસ્તારમાં સતત પાણી ભરાયેલા રહે છે જેને લઇને સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
વિદ્યાર્થીઓને શાળામાં કે ટયુશનમાં પણ મોકલી શકાતાં નથી. તેમજ સતત ભરાયેલા રહેતા પાણીના કારણે સમગ્ર વિસ્તારમાં ગંદકી અને કિચડનું સામ્રાજ્ય છવાઇ જતાં લોકોને ઘરોમા રહેવું પણ મુશ્કેલ બન્યું છે. સ્થાનિકો દ્વારા આ મામલે મનપા તંત્રને અનેક વખત રજૂઆત કરવા છતાં માત્ર આશ્વાસન આપવામાં આવતા રોષે ભરાયેલા રહીશો અને મહિલાઓએ મનપા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત બાદ કુંભકર્ણની નિદ્રામાં સુતેલા મનપા તંત્રના સત્તાધીશોએ આળસ ખંખેરી હતી અને ડેપ્યુટી કમિશ્નર અર્જુન ચાવડા સહિતની ટીમ સરકારી કાર લઇ આ વિસ્તારમાં પહોંચ્યા હતા પરંતુ લોકોની મુશ્કેલી અને હાલાકી જાણવા માટે ડેપ્યુટી કમિશનરે સરકારી કારમાં મુલાકાત લીધી હતી અને રોષે ભરાયેલ સ્થાનીક રહિશો તેમજ મહિલાઓએ મનપાના ડેપ્યુટી કમીશ્નર સહિતની ટીમને કારમાંથી નીચે ઉતરી સમસ્યાથી વાકેફ થવા રજુઆત કરી હતી પરંતુ મનપાના સત્તાધીશો દ્વારા કારમાંથી ઉતરવાની પણ તસ્દી ન લેતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો અને અંતમાં આગળ તરફ જઈ સ્થાનીક રહિશો અને જાગૃત નાગરિકોની રજુઆતને પગલે કારમાંથી નીચે ઉતરી રજુઆતો સાંભળી હતી અને હંમેશાની જેમ લોકોને હૈયાધારણા અને આશ્વાસન આપી સંતોષ માન્યો હતો. તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી લોકોને પ્રાથમિક સુવિધાઓ પુરી પાડવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.