Gujarat

વિરપુરમાં 2.13 કરોડના ખર્ચે બનેલા નવા બસ સ્ટેન્ડમાં વરસાદી પાણી ભરાયાં

By GS TEAM
25 Jun 20251 min read
વિરપુરમાં 2.13 કરોડના ખર્ચે બનેલા નવા બસ સ્ટેન્ડમાં વરસાદી પાણી ભરાયાં

- અગાઉ બસ સ્ટેન્ડ જર્જરિત થતાં નવું બસ સ્ટેન્ડ બનાવ્યું, પરંતુ સમસ્યા ઠેરની ઠેર

વિરપુર : મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકા મથકે ૨.૧૩ કરોડના ખર્ચે નવીન એસટી બસ સ્ટેન્ડ બનાવ્યું હતું. આ બસ બસ સ્ટેન્ડનું બે મહિના પહેલા જ લોકાર્પણ કરાયું હતું. જ્યાં પ્રથમ વરસાદમાં જ સમગ્ર પ્રોજેક્ટની પોલ ખુલી પડી ગઈ હતી. આ સ્થળે ઠેર ઠેર વરસાદી પાણી ભરાતાં મુસાફરોને બહાર નિકળવા અને અંદર આવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

વિરપુર તાલુકા મથક બન્યા બાદ જૂનું બસ સ્ટેન્ડ જર્જરીત બનતાં રાજ્ય સરકારે ૨.૧૩ કરોડના ખર્ચે નવુ બસ સ્ટેન્ડ બનાવ્યું હતું. જેનું ૧૬મી એપ્રિલ,૨૦૨૫ના રોજ લોકાર્પણ કરાયું હતું.જેના મોંફાટ વખાણની પોલ પ્રથમ વરસાદમાં જ ખુલી ગઈ છે.  આ નવનિમત બસ સ્ટેશનમાં ૫ પ્લેટફોર્મ, મુસાફરો માટે બેઠક વ્યવસ્થા સાથે વેઇટિંગ હોલ, કંટ્રોલ રૂમ, કેન્ટીન (કિચન સાથે), પાણી માટેનો રૂમ, ઇલેક્ટ્રિક રૂમ, વિવિધ સ્ટોલ, ડ્રાઈવર-કંડક્ટર માટે રેસ્ટ રૂમ તથા લેડીઝ કંડક્ટર માટે અલગ રૂમ અને મુસાફરો માટે શૌચાલય જેવી આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ છે.પરંતુ વરસાદમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. માતબર ખર્ચ બાદ પણ બસ સ્ટેન્ડમાં વરસાદી પાણીના નિકાલની કોઇ વ્યવસ્થા ન રાખતાં ઘુટણસમા પાણી ભરાયાં હતાં. જેના કારણે મુસાફરોને અવર જવર માટે હાલાકી ભોગવવી પડી હતી. એમાં સ્ટાફ પણ એટલો જ પરેશાન થયો હતો.