વડોદરામાં રાજીવનગર નજીક પ્રમુખપ્રીત સોસાયટી સુધી વરસાદી ચેનલની કામગીરી ચાલુ
Vadodara : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હાલમાં પૂર્વ વિસ્તારમાં રાજીવ નગર નાળાથી પ્રમુખ પ્રીત સોસાયટી સુધી નવી વરસાદની ચેનલ બનાવવાની કામગીરી ચાલુ છે. આ કામગીરી ચોમાસા પહેલા પૂર્ણ કરવાનું આયોજન છે. રાજીવનગર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી નીકળતું ટ્રીટેડ વેસ્ટ વોટર જાહેર ક્ષેત્રની કંપનીને નક્કી કરેલા જથ્થામાં કોર્પોરેશન દ્વારા સપ્લાય કરવામાં આવે છે. આ સિવાયનું બાકી રહેતું ટ્રીટેડ વેસ્ટ વોટર રાજીવનગર કાંસમાંથી થઈ બહુચરાજી કાંસમાંથી નદીમાં છોડવામાં આવતું હતું, પરંતુ હાલમાં વરસાદી ચેનલની ઊકત કામગીરી ચાલુ હોવાથી સુવેજ પ્લાન્ટનું ટ્રીટેડ વોટર ઊર્મિ બ્રિજ પાસે સ્કાવર વાલ્વથી નદીમાં છોડવામાં આવે છે. આ પાણીનું સેમ્પલ લેવાતા તે ધારા ધોરણ મુજબ યોગ્ય હોવાનું જણાયું છે.
રાજીવનગર નાળાથી ડાઉન સ્ટ્રીમના ભાગે 215 મીટર લંબાઈમાં પ્રમુખપ્રીત સોસાયટીના ભાગે 4×2.5 મીટરની જૂની વરસાદી ચેનલ છે. જેમાં શિવ બંગ્લોઝ પાસે અગાઉ સ્લેબમાં ભંગાણ પડ્યું હતું. જેથી જર્જરિત થયેલી આ ચેનલ નવી બનાવવી જરૂરી હતી, કેમ કે આ સ્થળે સોસાયટીના બંને બાજુ મકાનો છે. સ્ટેન્ડિંગ સમિતિમાં આ કામગીરી માટે 6.84 કરોડના ખર્ચે દરખાસ્ત પણ મંજૂર કરવામાં આવી હતી. રાજીવ નગર ખાતે 78 એમએલડી ક્ષમતાનો સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે. ટ્રીટેડ વોટરના ટ્રીટમેન્ટ પ્લાન્ટથી નક્કી કરેલી માત્રામાં કંપનીઓને પહોંચતું કરવા માટે 80 કરોડના ખર્ચે પાઇપલાઇન નાખવામાં આવી છે. છેલ્લા એક વર્ષથી દર મહિને કોર્પોરેશનને ટ્રીટેડ વોટરની 62 લાખ આવક થઈ રહી છે .આ પાણી હજુ બીજી કંપનીઓને આપવાનું હોવાથી આવકમાં વધારો થશે તેમ જાણવા મળ્યું છે.