Get The App

ઝાલાવાડમાં વરસાદે તારાજી સર્જી, ખેતરમાં ઊભો પાક બરબાદ થયો

Updated: May 7th, 2025

GS TEAM


Google News
Google News
ઝાલાવાડમાં વરસાદે તારાજી સર્જી, ખેતરમાં ઊભો પાક બરબાદ થયો 1 - image


નુકસાની અંગે સર્વે કરી વળતર ચુકવવાની માંગ

અતિવૃષ્ટિના નુકસાનની સહાય હજુ મળી નથી ત્યાં ફરી કુદરત રૃઠી ઃ ખેડૂતોની હાલત કફોડી

સુરેન્દ્રનગર -  સુરેન્દ્રનગર જિલ્લામાં હાલ હવામાન વિભાગની આગાહી મુજબ ભર ઉનાળે માવઠુ થતાં કમોસમી વરસાદ થતાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને શહેરી વિસ્તાર સહિત તમામ તાલુકાઓમાં કમોસમી વરસાદ નોંધાયો છે. જેમાં અમુક તાલુકાઓમાં બરફના કરા અને ગાજવીજ સાથે વરસાદ ખાબકતા તારાજીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. બીજી તરફ માવઠાના કારણે ફરી જિલ્લામાં તલ, બાજરી, જુવાર અને અજમો સહીતના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. જેમાં સૌથી વધુ નુકસાન તલના પાકમાં થતાં ખેડૂતોને મોંઢા સુધી આવેલ કોળીયો ફરી એકવાર છીનવાઇ જતા ખેડૂતોની હાલત કફોડી બની છે.

હવામાન વિભાગ દ્વારા આગામી તા.૯ મે સુધી રાજ્યભરમાં વેસ્ટર્ન ડિર્સ્ટબન્સના કારણે કમોસમી વરસાદ સાથે વાવાઝોડાની આગાહી કરવામાં આવી છે. જેના પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અંદાજે ૪૫ ડીગ્રી જેટલા તાપમાનની વચ્ચે જિલ્લામાં સાર્વત્રિક વરસાદથી વાતાવરણમાં ઠંક પ્રસરી હતી. 

જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં મંગળવાર સવારના ૬-૦૦ વાગ્યા સુધી દસાડા તાલુકામાં ૨૪ મીમી, ચોટીલા-૨૧ મીમી, મુળી-૧૮ મીમી, લખતર-૧૬ મીમી, ચુડા-૧૩ મીમી, ધ્રાંગધ્રા-૧૨ મીમી, વઢવાણ-૧૦ મીમી, થાન-૮ મીમી, સાયલા-૬ મીમી અને લીંબડી-૨ મીમી વરસાદ નોંધાયો હતો. બીજે દિવસે પણ સુરેન્દ્રનગર અને વઢવાણ શહેરી વિસ્તારમાં ગાજવીજ સાથે પડેલા વરસાદને પગલે અમુક રસ્તાઓ પર પાણી ભરાઈ રહેતા વાહનચાલકો સહિત લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. 

બીજી તરફ ગત ચોમાસામાં અતિવૃષ્ટીના કારણે થયેલા પારાવાર નુકસાનમાંથી ખેડૂતો માંડ બેઠા થવાનો પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે જગતના તાતથી જાણે કુદરત રૃઠી હોય તેમ ફરી એક વાર કમોસમી વરસાદે જિલ્લામાં તારાજી સર્જી છે. ચોટીલા અને સાયલા તાલુકાઓમાં તો કરા સાથે વરસાદ થતાં ખેડૂતોએ મહામહેનતે તૈયાર કરેલ ઉનાળુ પાકનો સોથ વળી ગયો હતો.

સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલુ વર્ષે અંદાજે ૩૨૭૦૦ હેક્ટર કરતા વધુ જમીનમાં તલ, જુવાર, બાજરી, અજમો અને ઘાસ ચારા સહીતના ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં સૌથી વધુ તલનું વાવેતર ૨૦ હજાર હેક્ટર કરતા વધુ જમીનમાં કરવામાં આવ્યું હતું. માવઠાના કારણે તલનો પાક જમીનદોસ્ત થઇ જતાં તલના પાકમાં અંદાજે ૬૦ ટકાથી વધુ નુકસાન થતાં ખેડૂતોને હાલત કફોડી બની છે. ખેડૂતોને ગત વર્ષે થયેલા અતિવૃષ્ટીના નુકસાનની હજુ પણ સહાય નથી મળી ત્યાં ફરી એકવાર કુદરતે કારમી થપાટ મારતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને નુકશાન અંગે સહાય ચૂકવવામાં નહીં આવે તો ખેડૂતોને ખેતી છોડી અન્ય ધંધો રોજગાર તરફ વળવાનો વારો આવશે.

ચોટીલાના અકાળા ગામમાં વીજળી પડતા ભેંસનું મોત

ચોટીલાના અકાળા ગામે પશુપાલક દેવાભાઈ કમાભાઈ વાઘરોડીયાની ભેંસ ગામની સીમમાં ચરી રહી હતી ત્યારે અચાનક વિજળી પડતા ભેંસનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. વીજળી પડવાથી ભેંસનું મોત નીપજતા પશુુપાલકને નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો.


Tags :