Get The App

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 55 તાલુકાઓમાં વરસાદ, રાજકોટમાં સૌથી વધુ 2.60 ઇંચ વરસાદ

Updated: May 23rd, 2025

GS TEAM


Google News
Google News
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 55 તાલુકાઓમાં વરસાદ, રાજકોટમાં સૌથી વધુ 2.60 ઇંચ વરસાદ 1 - image


Gujarat Rainfall in last 24 Hours: છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકી રહ્યો છે. ત્યારે ગત 24 કલાકમાં ગુજરાતના 55 તાલુકામાં કમોસમી વરસાદ ખાબક્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. રાજ્યના 51 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ રાજકોટ તાલુકામાં સૌથી વધુ 2.60 ઇંચ, અમરેલીના વડીયામાં 1.89 ઇંચ, સુરતના માંગરોળમાં 1.38 ઇંચ, આણંદના તારાપુર 1.02 ઇંચ, જામનગરના જામજોધપુરમાં 1 ઇંચ વરસાદ અને પંચમહાલના મોરવા હડફ, હાંસોટ, વાગરા, ગોંડલ, ઝઘડીયા, રાણાવાવ અને ભેસાણમાં પોણા ઇંચ વરસાદ નોંધાયો છે. 
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 55 તાલુકાઓમાં વરસાદ, રાજકોટમાં સૌથી વધુ 2.60 ઇંચ વરસાદ 2 - image

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 55 તાલુકાઓમાં વરસાદ, રાજકોટમાં સૌથી વધુ 2.60 ઇંચ વરસાદ 3 - image
અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે નૈઋત્યના ચોમાસા આગમન પહેલા જ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 6 દિવસ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યના મુખ્યમંત્રીએ ઍલર્ટવાળા જિલ્લાના વહીવટીતંત્રને સતર્કતા રાખવાની સૂચના આપી છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે. 

ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન

સમગ્ર દેશમાં કમોસમી વરસાદનું જોર દિવસો પછી પણ યથાવત્ રહ્યું છે. અરબી સમુદ્રમાં ઉપરોક્ત વાવાઝોડાની શક્યતા દર્શાવતી સિસ્ટમ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જારી છે. પંજાબ, ઉત્તરપ્રદેશ, બંગાળની ખાડી ઉપરાંત દક્ષિણ ગુજરાત કાંઠા નજીક ઉત્તર-પૂર્વ અરબી સમુદ્રમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે. 

ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં આગામી 28 મે સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 12થી વધુ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે, ત્યારે આજે શુક્રવારે એટલે કે 23 મેથી 25 મે દરમિયાન રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરુચ, સુરત, તાપી, નર્મદા, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

26 મેની આગાહી

આગામી 26 મેના રોજ રાજ્યના 15 જિલ્લામાં વરસાદની આગાહી છે. રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, ભરુચ, સુરત, તાપી, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે સમગ્ર ગુજરાતમાં 50-70 કિ.મી.ની ઝડપે પવન ફૂકાવવાની સાથે મેઘગર્જના થશે.

27-28 મેની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, 27 મેના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને 28 મેના રોજ દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, તાપી, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

કંટ્રોલરૂમ શરુ કરવા મુખ્યમંત્રીની સૂચના 

ભારે વરસાદની આગાહીને લઈને મુખ્યમંત્રીએ કંટ્રોલરૂમ શરુ કરવાની સૂચના આપી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાના વહીવટી તંત્રોને સતર્ક-સજાગ રહેવા આદેશ આપ્યા છે. યલો ઍલર્ટવાળા જિલ્લામાં 24x7 કંટ્રોલરૂમ કાર્યરત કરવા CM ભૂપેન્દ્ર પટેલે સૂચના આપી છે. 

Tags :