સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે ભારે પવન સાથે વરસાદ
ચોટીલામાં અડધો કલાકમાં એક ઈંચ વરસાદ
ચોટીલામાં આણંદપુર, થાનરોડ ઉપર પાણી ભરાયા ઃ મુળી, લખતર, ધ્રાંગધ્રા, દસાડા સહિતના તાલુકામાં પણ કમોસમી વરસાદનો માહોલ
સુરેન્દ્રનગર - વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લામાં સતત ત્રીજા દિવસે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન તેમજ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો હતો. યાત્રાધામ ચોટીલામાં બુધવારના બપોરનાં જાણે અષાઢી માહોલ જામ્યો હોય તેમ અડધો કલાકમાં એક ઇચ વરસાદ વરસી પડતા શહેરનાં અનેક રસ્તાઓ માનવ સજત અડચણોને કારણે પાણી પાણી થઈ ગયા હતા.
વેસ્ટર્ન ડિર્સ્ટબન્સની અસરને પગલે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો છે. સતત ત્રીજા દિવસે સુુરેન્દ્રનગર, રતનપર, જોરાવરનગર, વઢવાણ સહિતના શહેરી વિસ્તારો તેમજ આસપાસના મેમકા, ખોલડીયાદ, ગોમટા, લટુડા, માળોદ, બાળા સહિતના ગામોમાં પણ કમૌસમી વરસાદ પડયો હતો. આ ઉપરાંત જિલ્લાના લખતર, મુળી, ચોટીલા, થાન, લીંબડી સહિતના તાલુકાઓમાં પણ સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ છવાયો હતો અને છુટોછવાયો તેમજ પવન સાથે વરસાદી ઝાંપટા પડયા હતા. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવતા ગરમીથી ઝાલાવાડવાસીઓએ રાહત અનુભવી છે
ચોટીલામાં આણંદપુર રોડ, ઠાંગા પંથક, સહિતનાં ગામડાઓમાં માવઠાનો વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ સોમવારે ૨૧ મીમી અને બુધવારે ૨૨ મીમી મળી વગર ચોમાસે બે રાઉન્ડમાં ૪૩ મીમી વરસી પડેલ છે. આણંદપુર રોડ, તાલુકા પંચાયત નજીક તેમજ મેઇન બજારમાં કેટલાક સ્થળોએ માનવસર્જીત અડચણોને કારણે જાણે તળાવો ભરાયા હોય તેવા દ્રશ્યો સામાન્ય વરસાદમાં ઉભા થયા હતા.
કમોસમી માવઠાનાં વરસાદે ખેડૂતોનાં હાજા ગગડાવી દિધા છે. ખાસ કરીને ઉનાળુ પાક ધરાવનાર તેમજ શાકભાજીની ખેતી ને મોટૂ નુકસાન પહોંચેલ છે. ખેડૂતોને વણ જોઇતો કુદરતનો માર સહન કરવાનો જાણે વારો આવ્યો હોય તેવું બનેલ છે. તલ, જુુવાર, બાજરી સહિતના પાકોને મોટાપાયે નુકસાન પહોંચ્યું છે.
મુળી તાલુકાના દેવપરા ગામની સીમમાં પશુપાલક શિવાભાઈ આધારાની વાડીમાં બાંધેલી ભેંસ પર વીજળી પડતા ભેસનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. સરકાર દ્વારા આ અંગે સહાય ચુકવવામાં આવે તેવી ભોગ બનનાર પશુપાલકે માંગ કરી છે