Gujarat

વડોદરા શહેરના ગોત્રી-નટુભાઈ સર્કલ પાસે આવેલી તરૂણનગર સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળતા બેટમાં ફેરવાઇ

By GS TEAM
8 Sep 20252 mins read
TukuTouch Logo
વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી ખાતે નટુભાઈ સર્કલ નજીક આવેલી તરૂણનગર સોસાયટીના મકાનોમાં 29 જેટલા પરિવારો રહે છે. જેમાં મોટાભાગના વયોવૃદ્ધ 70 થી 80 વર્ષના છે. આ સોસાયટીમાં છેલ્લા દસ વર્ષથી વરસાદી પાણી ભરાય છે અને ગટરના પાણી બેક મારે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

વડોદરા શહેરના ગોત્રી-નટુભાઈ સર્કલ પાસે આવેલી તરૂણનગર સોસાયટીમાં વરસાદી પાણી ફરી વળતા બેટમાં ફેરવાઇ

Vadodara Waterlogging : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ગોત્રી ખાતે નટુભાઈ સર્કલ નજીક આવેલી તરૂણનગર સોસાયટીના મકાનોમાં 29 જેટલા પરિવારો રહે છે. જેમાં મોટાભાગના વયોવૃદ્ધ 70 થી 80 વર્ષના છે. આ સોસાયટીમાં છેલ્લા દસ વર્ષથી વરસાદી પાણી ભરાય છે અને ગટરના પાણી બેક મારે છે. પાલિકા કચેરીએ સંપર્ક કરતા કોઈ જોવા આવતું નથી. માત્ર એક મહિલા કોર્પોરેટર મદદરૂપ થાય છે. છેલ્લા ત્રણ દિવસથી સોસાયટીના રહીશો ઘર બહાર નીકળી શકતા નથી વરસાદી પાણી તમામ ઘરોમાં ફરી વળ્યા છે. ચૂંટણી વખતે વોટ લેવા આવનાર સમક્ષ પ્રશ્નો રજૂ કરાય છે ત્યારે હવે પ્રશ્નોનો નિકાલ આવી જશે. પરંતુ ત્યારબાદ સોસાયટીનું બજેટ મંજૂર થયું નથી તેવા ઉડાઉ જવાબ અપાય છે. ભરાઈ રહેલા પાણીથી મચ્છરજન્ય રોગચાળાની ભીતિથી રહીશોમાં ગભરાટ વ્યાપેલો રહે છે. વહેલી તકે તમામ પ્રશ્નોનો નિકાલ આવે તેવી સ્થાનિક રહીશોની માગ છે. 

ઉલ્લેખનીય છે કે ગોત્રી નટુભાઈ સર્કલ નજીક આવેલી 29 મકાનની સોસાયટી પૂરના પાણીથી બેટમાં ફેરવાઈ ગઈ છે. છેલ્લા દસ વર્ષથી આ પરિસ્થિતિ દર વર્ષે સર્જાય છે. આ ઉપરાંત ગટરના પાણી પણ બેક મારતા દુર્ગંધથી ત્રસ્ત થઈને લોકોને રહેવાની ફરજ પડે છે. નીચાણવાળા વિસ્તારમાં સોસાયટી નહીં હોવા છતાં પાણી ભરાવાનું કારણ તંત્ર દ્વારા શોધી શકાતું નથી. પડોશી સોસાયટીમાં વરસાદના બિલકુલ પાણી ભરાતા નથી. આ સોસાયટીના પ્રત્યેક મકાનમાં 70-80 વર્ષની એકાદ વ્યક્તિ જરૂર છે. તેમને ક્યારેક તાત્કાલિક સારવાર અર્થે જવામાં ભારે તકલીફ પડે છે. લોકોને વેપાર ધંધાએ જવા માટે પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વિસ્તારના કોર્પોરેટરોને વારંવાર કહેવા છતાં માત્ર એક મહિલા કોર્પોરેટર ક્યારેક મદદમાં પણ આવે છે. ચોમાસા અગાઉ પણ તંત્ર સમક્ષ આ અંગેની રજૂઆત કરી હતી. છતાં પણ તંત્ર દ્વારા કોણીએ ગોળ ચોંટાડવામાં આવ્યો અને હવે આ વર્ષે પાણી નહીં ભરાય તેવો જવાબ આપ્યો હતો પરંતુ પરિસ્થિતિ યથાવત રહી છે. બે દિવસ અગાઉ તંત્ર સમક્ષ ફરી એકવાર રજૂઆત કરવા જતા બે દિવસની રજા બાદ સ્ટાફ આવશે ત્યારે કામ થશે તેવા ઉડાઉ જવાબ અપાયા હતા. હવે વહેલી તકે સોસાયટીના સામાન્ય પ્રશ્નોનો વહેલી તકે નિકાલ આવે તેવી સ્થાનિકોની માગ છે.