Gujarat

સુરેન્દ્રનગર, લખતર, મુળી, ધ્રાંગધ્રામાં વરસાદી ઝાપટા ઃ જીરૃને નુકસાનની ભીતિ

By GS TEAM
25 Feb 20262 mins read
સુરેન્દ્રનગર, લખતર, મુળી, ધ્રાંગધ્રામાં વરસાદી ઝાપટા ઃ જીરૃને નુકસાનની ભીતિ

ઉત્તરપ્રદેશથી ઉત્તર ગુજરાત સુધી ટ્રફ સર્જાતા

તૈયાર રવી પાક લેવાના સમયે માવઠાંના માહોલથી ખેડૂતો ચિંતિત ઃ પવન બદલાતા આજથી તાપમાન થોડુ ઘટશે

સુરેન્દ્રનગરબંગાળની ખાડીમાં લો પ્રેસર અને ઉત્તરપશ્ચિમ ઉત્તરપ્રદેશથી રાજસ્થાન થઈને ઉત્તર ગુજરાત સુધી વરસાદી માહૌલ સર્જતું ટ્રફ સર્જાતા તેની અસર હેઠળ આજે રાજ્યમાં છૂટાછવાયા સ્થળે કમોસમી વાદળો સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં હળવા માવઠાં વરસ્યા હતા જેના પગલે જીરૃ, ચણા જેવા ઉભા પાકને નુક્શાનની ભીતિ સેવાઈ રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં હવામાન વિભાગની આગાહીને પગલે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને શહેરી વિસ્તારમાં સોમવારે રાત્રે કમોસમી માવઠું પડયું હતું. આ ઉપરાંત લખતર તાલુકામાં પણ મોડી રાત્રે શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન વચ્ચે થયેલા માવઠાથી શિયાળુ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.

લખતર તાલુકામાં દિવસ દરમિયાન વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતુ અને મોડી રાત્રે અચાનક વાતાવરણમાં પલટા બાદ કડુ, ઓળક, માલિકા, તરમણીયા, કળમ સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક કમોસમી માવઠા પડયા હતા.જેને પગલે થોડી મિનિટો માટે ઉનાળાના પ્રારંભે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો. ઓચિંતા પડેલ કમોસમી માવઠાથી ખેડુતો ચિંતિત બન્યા હતા. ધ્રાંગધ્રા, લખતર, મુળી તાલુકામાં હાલ ખેડુતોના ખેતરોમાં જીરાનો પાક તૈયાર થઇને ઉભો છે તેમજ કોઇ જગ્યાએ ખેડુતો દ્વારા ખેતરમાંથી જીરૃ ઉપાડવાની કામગીરી ચાલુ છે. ત્યારે અચાનક પડેલ કમોસમી માવઠાથી ખેડુતોના મોં માં આવેલો કોળીયો છીનવાઇ જવાની ભીતી સેવાઇ રહી છે. આ ઉપરાંત સાયલા, લીંબડી તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો.