Get The App

જામનગર અને દ્વારકા જિલ્લામાં ઝરમર ઝાપટાં:ભાટીયામાં તોફાની અર્ધો ઈંચ

Updated: Apr 2nd, 2026

GS TEAM

Google News
Google News
જામનગર અને દ્વારકા જિલ્લામાં ઝરમર ઝાપટાં:ભાટીયામાં તોફાની અર્ધો ઈંચ 1 - image

સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમી વચ્ચે ફરી વાદળો છવાયાં : પ્રથમ ધૂળની ડમરીઓ ઉડયા બાદ ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ, ઉનાળુ પાકને નુકસાન થવાનો ભય

રાજકોટ, : ગુજરાતમાં ચાલુ ઉનાળામાં વધુ એક વખત હવામાનમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાને કારણે અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ, ગાજવીજ અને 30 થી 40 કિમીની ઝડપે ફૂંકાતા પવન સાથે વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાતાવરણ પલટાયું હતું અને બપોરના સમયે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટ સહન કરી રહેલા લોકો માટે વરસાદી ઝાપટાં રાહત લઈને આવ્યા હતા, પરંતુ ખેડૂતો માટે આ તોફાની માવઠું ચિંતાની લકીરો ખેંચી લાવ્યું છે.

જામનગર શહેરમાં સવારથી જ સૂર્યનારાયણનો પ્રકોપ જોવા મળતો હતો. ગરમીનો પારો ઊંચો હોવાથી લોકો પરસેવે રેબઝેબ હતા. જોકે, બપોર બાદ અચાનક પવનની ગતિમાં વધારો થયો હતો અને આકાશમાં વાદળો છવાઈ ગયા હતા. અનેક વિસ્તારોમાં ભારે પવનને કારણે ધૂળની ડમરીઓ ઊડી હતી, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. વિઝિબિલિટી ઓછી થવાને કારણે વાહન વ્યવહાર પર થોડો સમય બ્રેક લાગી ગઈ હતી. ધૂળના વંટોળ બાદ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડયા હતા. એ જ રીતે લાલપુરમાં પણ તેજ પવન સાથે ઝાપટાંએ માર્ગો પાણી-પાણી કર્યા હતા.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જામનગરની સરખામણીએ મેઘરાજાનો મિજાજ વધુ આક્રમક જોવા મળ્યો હતો. ખંભાળિયા, દ્વારકા, કલ્યાણપુર અને ભાટિયા પંથકમાં ગાજવીજ સાથે વરસાદી માહોલ જામ્યો હતો. ખંભાળિયા પંથકમાં બપોરે એક વાગ્યાની આસપાસ જોરદાર વરસાદી ઝાપટું તૂટી પડયું હતું. વરસાદની સાથે જ વીજ પુરવઠો ખોરવાઈ જતાં નગરજનોને ગરમીમાં મુશ્કેલી વેઠવી પડી હતી. સરકારી આંકડા મુજબ, ખંભાળિયામાં 4 મી.મી. અને કલ્યાણપુરમાં 3 મી.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે ભાટિયામાં બપોરે 12.30 વાગ્યાથી ભારે પવન અને વીજળીના કડાકા સાથે અડધા ઈંચથી વધુ વરસાદ ખાબકતા રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.