Gujarat

ધોળકાથી ઊંટવાળી માતાના મંદિરના રોડની બંને સાઇડ વરસાદી ખાડા પડયા

By GS TEAM
19 Jul 20252 mins read
ધોળકાથી ઊંટવાળી માતાના મંદિરના રોડની બંને સાઇડ વરસાદી ખાડા પડયા

- વરસાદી પાણી રસ્તા પર ફરી વળશે તો 6 ગામના લોકોને હાલાકી 

- વરસાદી પાણી રોડની ધાર સુધી પહોચ્યું, આવનારા દિવસોમાં રોડ ઉપર ફરીવળવાની શક્યતા

ધોળકા : ધોળકાના ઊંટવાળી માતાજીના મંદિરે જવાના મુખ્ય માર્ગ ઉપર મેલડી માતાના મંદિરથી ધોળકા તરફ આવવાના મુખ્ય માર્ગ ઉપર બંને સાઇડમાં મસમોટા વરસાદી પાણીના ખાડા છે. ખાડાની શરૂઆત થતાં અદાજે પાંચો મીટરથી વધારે અંતરે મેલડી માતાનું મંદિર આવેલું છે. આમ રોડની બંને સાઇડ લાંબા અને ઊંડા ખાડામાં વરસાદી પાણી તથા ગટરોના પાણી ભરાયેલા છે.

રોડની નીચે બે મસમોટા ગરનાળા છે. હાલ આ પાણી રોડની ધાર સુધી પહોંચી ગયું છે. આવનારા દિવસોમાં આ પાણી રોડ ઉપર ફરીવળવાની શક્યતા દેખાઇ રહી છે. અગાઉના બે વર્ષમાં ચોમાસા દરમિયાન રોડ ઉપર પાણી ફરી વળ્યું હતું. જેથી માર્ગ ઉપરથી વાહનો તથા રાહદારીઓ માટે રસ્તો પાણી ઉતર્યા નહીં ત્યાં સુધી બંધ હતો. આગળ પાણીની કોઇ વ્યવસ્થા નથી. જેથી પાણી રોડ ઉપર અને ખાડામાં લાંબા સમય સુધી ભરાયેલું રહે છે. આ રોડ બંધ થતાં જ ધોળકા આંબેડી ગામ, વિરપુર ગામ, અંધારી ગામ, ઝણંદગામ, વૌઠા ગામ તથાં લીંબાસી તરફ ગામોમાં અવરજવર બંધ થઇ જતાં લોકોને હાલાકી વેઠવી પડે છે.

ધોળકાના ખેડૂતોને તેમના ખેત વિસ્તારમાં જવાની પણ અગવડતા પડે છે. આથી રોડ તંત્ર આ રોડને મજબૂત અને હજુ ઊંચાઇવાળો બનાવે તે જરૂરી છે. જો આ રોડની ગંભીર સમસ્યાને ધ્યાને લઇ તંત્ર દ્વારા ઘટતી કામગીરી હાથ ધરવામાં નહીં આવે તો ગમે ત્યારે અધટીત ઘટના બનવાની સંભાવના દેખાઇ રહી છે. બંને સાઇડના પાણીથી ઘેરાયેલો આ રોડ અને ગરનાળા જો તૂટશે તો રાહદારીઓને હાલાવી વેઠવી પડશે. જેથી તંત્ર પાણી વધે તે પહેલા યુદ્ધના ધોરણે રોડ અને ગરનાળાનું સમારકામ હાથ ધરે તેવી લોક માંગણી ઉઠી છે.