દસાડા, લીંબડી અને લખતર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
- સુરેન્દ્રનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો
- મીઠાના અગરો, અજમો, ઉનાળુ તલ સહિતના પાકોને નુકસાનની ભીતિ : ભરઉનાળે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ ગુજરાતમાં કમૌસમી વરસાદની આગાહી વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ સવારથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે લીંબડી, લખતર અને દસાડા તાલુકામાં કમૌસમી વરસાદી ઝાંપટા નોંધાયા હતા. દસાડા તાલુકાના જૈનાબાદ, ઝીંઝુવાડા, ધામા, ચીકાસર, નગવાડા, સુરેલ, વિસાવડી, રસુલાબાદ, હેમતગઢ, મુવાડા સહિતના ગામોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડતા અગરીયાઓના મીઠાના અગર તેમજ ખેડુતોએ મહામહેનતે કરેલ અજમો, ઉનાળુ તલ સહિતના પાકને મોટાપાયે નુકસાની થવાની ભીતી સેવાઈ રહી છે. જ્યારે લખતર તાલુુકાના વડેખણ, માલીકા, ડેરવાળા, તલસાણા, સાંકળ સહિતના ગામોમાં પણ કમૌસમી વરસાદ પડયો હતો તેમજ લીંબડી તાલુકાના નાની કઠેચી, મોટી કઠેચી, ગડથલ સહિતના ગામોમાં કમૌસમી વરસાદ ખાબક્યો હતો. ભરઉનાળે ૪૪ થી ૪૫ ડિગ્રી તાપમાન વચ્ચે જીલ્લામાં વાતાવરણમાં પલટો આવતા એકંદરે લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી પરંતુ ઉનાળામાં કમૌસમી વરસાદને પગલે ખેડુતોના પાકને નુકશાની જવાની ભીતી સેવાતા જીવ તાળવે ચોંટયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી બે-ત્રણ દિવસ સુધી હવામાન વિભાગ દ્વારા કમૌસમી વરસાદની આગાહી કરવામાં આવી છે જેને પગલે સ્થાનીક તંત્ર પણ સતર્ક બન્યું છે.