હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં ખાબક્યો ધોધમાર વરસાદ, અનેક ફ્લાઈટ ડાયવર્ડ કરાઈ
Rain In Ahmedabad : ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદને લઈને હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યુ છે. 28 ઓગસ્ટે રાત્રે 10 વાગ્યે જાહેર કરાયેલા આગામી ત્રણ કલાકના નાવકાસ્ટ મુજબ, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ જિલ્લામાં રેડ એલર્ટ અને બાકીના તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે જાહેર કર્યું છે, અમદાવાદના અનેક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં ભારે વરસાદને પગલે અમદાવાદ આવતી ફ્લાઈટને મુંબઈ, સુરત અને વડોદરા તરફ ડાયવર્ટ કરાઈ હોવાનું સામે આવ્યું છે.
અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ
રાજ્યભરમાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે આજે ગુરુવારે (28 ઓગસ્ટ) અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. જેમાં આશ્રમ રોડ, મકરબા, એસ.જી. હાઈવે, મણિનગર, કાંકરિયા સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જ્યારે વસ્ત્રાલ ગામ મેટ્રો સ્ટેશન સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે.
3 જિલ્લામાં રેડ અને 30 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગના Nowcast મુજબ, આજે ગુરુવારે (28 ઓગસ્ટ) રાત્રે 10 વાગ્યાથી ત્રણ કલાક એટલે કે 1 વાગ્યા સુધીમાં 3 જિલ્લામાં રેડ એેલર્ટ અને અન્ય 30 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે.
અમદાવાદમાં ભારે વરસાદને પગલે ફ્લાઈટ ડાયવર્ટ
અમદાવાદમાં ભારે વરસાદને પગલે મુંબઈથી અમદાવાદ ફલાઇટ અને ચેન્નાઈથી અમદાવાદ ફલાઇટ સુરત ડાયવર્ટ કરાઈ છે. જ્યારે અબુ ધાબીથી અમદાવાદ ફલાઇટ મુંબઈ ડાયવર્ટ અને દિલ્હીથી અમદાવાદની ફલાઇટ વડોદરા ડાયવર્ટ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાતના 7 જિલ્લામાં રેડ એલર્ટ, આગામી 6 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે શુક્રવારે (29 ઓગસ્ટ) ખેડા, મહીસાગર, દાહોદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, પંચમહાલ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે.