Get The App

ખેડા અને આણંદ જિલ્લામાં વરસાદ ખેતરોમાં તૈયાર ડાંગરનો પાક પલળી ગયો

Updated: Oct 27th, 2025

GS TEAM

Google News
Google News
ખેડા અને આણંદ જિલ્લામાં વરસાદ  ખેતરોમાં તૈયાર ડાંગરનો પાક પલળી ગયો 1 - image

- ચરોતરમાં હજૂ ચાર દિવસ યલો એલર્ટ : ખેડૂતોની ચિંતામાં વધારો

- ગળતેશ્વર તાલુકામાં ધોધમાર 1 ઈંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા : ખેતરમાં પાક બચાવવા ખેડૂતોની દોડધામ : મોઢે આવેલો કોળિયો છીનવાતા ખેડૂતોની હાલત કફોડી

નડિયાદ, આણંદ, ડાકોર : ખેડા જિલ્લામાં ડાંગરનો પાક તૈયાર થઈ ગયો હોવાથી મોટાભાગના ખેડૂતોએ કાપણી શરૂ કરી દીધી છે. ઘણાએ પાક ખેતરમાં કાપીને સૂકવવા મૂક્યો છે. તેવા સંજોગોમાં ખેડા અને આણંદ જિલ્લામાં વરસેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. 

આણંદ જિલ્લામાં લાભ પાંચમના દિવસે સવારના ૬ વાગ્યાથી ઝરમર વરસાદ શરૂ થઈ ગયો હતો. લાભ પાંચમના શુભ મુહૂર્ત કરવા નીકળેલા વેપારીઓ પણ એકાએક વરસાદ શરૂ થઈ જતા મૂંઝવણમાં મુકાયા હતા. પવન પણ ખૂબ જ ફુગાતો હોવાથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. રવિવારનો આખો દિવસ સમગ્ર આણંદ જિલ્લામાં ઝરમર વરસાદ સાથે પૂરો થયો હતો. જ્યારે ખેડા જિલ્લાના ગળતેશ્વર, કઠલાલ, મહુધા અને ખેડા સહિતના તાલુકાઓમાં તા. ૨૫મીને શનિવારે જ્યારે નડિયાદ અને ઠાસરામાં તા. ૨૬મીએ હળવા ઝાપટાં પડયા હતા. તા. ૨૫મીએ સૌથી વધુ વરસાદ ગળતેશ્વર તાલુકામાં ૨૫ મિ.મી., કઠલાલમાં ૯ મિ.મી., મહુધામાં ૬ મિ.મી., ખેડામાં ૪ મિ.મી. અને જિલ્લામાં સરેરાશ ૪.૪ મિ.મી. વરસાદ નોંધાયો હતો. જ્યારે તા. ૨૬મીએ નડિયાદ અને ઠાસરામાં ૧-૧ મિ.મી. વરસાદ પડયો હતો. 

ડાંગરનો પાક હાલમાં લણણીના તબક્કામાં છે અને મોટાભાગના ખેડૂતોએ પાક કાપીને ખેતરોમાં સૂકવવા માટે મૂકી દીધો છે. જે ખેડૂતોએ હજુ કાપણી નથી કરી, તેમનો તૈયાર પાક પણ વરસાદને કારણે જમીન પર ઢળી પડયો છે. તૈયાર પાક પર પાણી પડવાથી ડાંગરના દાણામાં ભેજનું પ્રમાણ વધી જાય છે, જેના કારણે દાણા કાળા પડી જાય છે અને બજારમાં તેની ગુણવત્તા અને ભાવ ઘટી જાય છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોની આખી સીઝનની મહેનત પર પાણી ફરી વળ્યું છે. ખાસ કરીને ગળતેશ્વરમાં ૨૫ મિ.મી. (૧ ઈંચ) વરસાદ પડયો છે. ત્યારે ગળતેશ્વર- ઠાસરા તાલુકાના કાલસર ગામ સહિતના વિસ્તારોમાં ખેડૂતોને મોટું નુકસાન થવાનો અંદાજ છે. ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે.