બોટાદમાં સવા, બરવાળામાં અર્ધો ઈંચ વરસાદ, વીજળી ડૂલ થતાં લોકો હેરાન
- ભાવનગરમાં દિવસે બફારો-ઉકળાટ બાદ રાત્રે કેટલાક વિસ્તારમાં પાણી વરસ્યું
- રાણપુરમાં પા ઈંચ વરસાદ, સાંજે વાતાવરણમાં આવેલા પલટાના કારણે ગરમીમાં રાહત
બોટાદ શહેરમાં આજે સાંજે પાંચ વાગ્યા બાદથી વરસાદનું આગમન થયું હતું. કટકે-કટકે ત્રણથી ચાર વખત ઝાપટું વરસી જતાં સવા ઈંચ જેટલું (૨૯ મિ.મી.) પાણી ખાબકી ગયું હતું. હજુ ચોમાસાની ઋતુનું સત્તાવાર આગમન નથી થયું ત્યાં સવા ઈંચ જેટલા વરસાદમાં જ વીજ તંત્રની પોલ ખુલી ગઈ હોય તેમ અનેક વખત વીજળી ડૂલ થઈ હતી. જેના કારણે લોકો હેરાન-પરેશાન થઈ ગયા હતા. બોટાદ ઉપરાંત બરવાળામાં વીજળીના કડાકા-ભડાકા સાથે ૧૨ મિ.મી. (અર્ધો ઈંચ) વરસાદ વરસ્યો હતો. વરસાદ શરૂ થતાં જ વીજ પ્રવાહ ખોરવાઈ ગયો હતો. બરવાળામાં ૪૦ મિનિટ સુધી વરસાદ અને વીજ કડાકાએ રમઝટ બોલાવી હતી. જ્યારે રાણપુરમાં પાંચ મિ.મી. વરસાદ વરસ્યાનું સત્તાવાર નોંધાયું છે.
ભાવનગરમાં રાત્રિના સમયે ગરમીનું પ્રમાણ વધું રહેતા લઘુતમ તાપમાન ૦.૧ ડિગ્રી વધીને ૨૯.૯ ડિગ્રીએ પહોંચ્યું હતું. જ્યારે આજે શનિવારે દિવસ દરમિયાન ૨૦ કિ.મી.ની ઝડપે ભેજવાળો પવન ફૂંકાતા દિવસ દરમિયાન લોકો હાશતોબા પોકારી ગયા હતા. પંખા શરૂ હોવા છતાં પણ નાગરિકો પરસેવે નિતરતા જોવા મળ્યા હતા. તેમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં મહત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર ન થતાં બફારાની સાથે ગરમીએ પણ લોકોની કસોટી લીધી હતી. છેલ્લા બે દિવસથી ભાવનગરનું મહત્તમ તાપમાન ૩૯.૨ ડિગ્રીએ સ્થિર રહ્યું છે. દિવસ દરમિયાન પવનની ઝડપ ૨૦ કિ.મી. પ્રતિકલાકની રહી હતી. સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૮ ટકા નોંધાતા ગરમી-બફારાથી શહેરીજનો હાશતોબા પોકારી ગયા હતા. દિવસે ગરમી અને બફારા બાદ રાત્રિના આઠ કલાક બાદ શહેરના કેટલાક વિસ્તારમાં ઝાપટું અને ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.