ગુજરાતમાં શ્રીકાર વર્ષા: રાજકોટ, સુરત, જૂનાગઢ સહિતના જિલ્લામાં મેઘમહેર, જુઓ ક્યાં-કેટલો વરસાદ
Rain In Gujarat : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી 24 ઑગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. ત્યારે સોમવારે (18 ઑગસ્ટ) રાજ્યના 18 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના ઉમરગામ અને ગીર સોમનાથના સૂત્રાપાડામાં 2-2 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ રાજકોટના ધોરાજીમાં 3.15 ઇંચ વરસાદ વરસ્યો છે. જુઓ ક્યાં-કેટલો વરસાદ નોંધાયો.
18 તાલુકામાં મેઘમહેર
રાજ્યમાં આજે (18 ઑગસ્ટ) સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં કુલ 18 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં વલસાડના વાપી, નવસારી, ગીર સોમનાથ, વલસાડના પારડી, કોડિનાર, સુરત, વડોદરા સહિતના 16 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે.
24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 193 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં જૂનાગઢના માળીયા હાટીના, ડાંગના આહવા, કચ્છના અબડાસા, સુરતના કામરેજ અને ડાંગના સુબિરમાં 2-2 ઇંચ, જૂનાગઢ સિટી, તાપીના વ્યારા, બનાસકાંઠાના અમીરગઢ, ગીર સોમનાથના તલાલા, પાટણના સિદ્ધપુર, સાબરકાંઠાના ખેડબ્રહ્મા, વલસાડના પારડી, તાપીના ડોલવણ, સુરેન્દ્રનગરના મુળી સહિત 24 તાલુકામાં 1-1 ઇંચ વરસાદ ખાબક્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આવતીકાલે 5 જિલ્લામાં રેડ ઍલર્ટ
જ્યારે બનાસકાંઠાના કાંકરેજ, રાજકોટના ઉપલેટા, પોરબંદરના રાણાવાવ, જૂનાગઢના વંથલી, માણાવદર, અમદાવાદના દેત્રોજ, અરવલ્લીના મેઘરજ, રાજકોટના લોધિકા, રાજકોટના જામકંડોરાણા સહિત 163 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે.