ગુજરાતના 181 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ રાજકોટના ધોરાજીમાં 3 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો
Rain In Gujarat : હવામાન વિભાગે આગામી 23 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના 25થી વધુ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને યલો-ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે રવિવારે (17 ઓગસ્ટ) રાજ્યના 181 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ રાજકોટના ધોરાજીમાં 3.15 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કચ્છના અબડાસામાં બે કલાકમાં 1.57 ઇંચ વરસાદ નોંધાયો છે. જુઓ ક્યાં-કેટલો વરસાદ નોંધાયો.
181 તાલુકામાં મેઘમહેર
રાજ્યમાં આજે (17 ઓગસ્ટ) સવારે 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં કુલ 181 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢના માળિયા મિયાણામાં 2.64 ઇંચ, સુરતના કામરેજમાં 2 ઇંચ, બનાસકાંઠાના ધાનેરા અને ડાંગના સુબિરમાં 1.81 ઇંચ, જૂનાગઢમાં 1.77 ઇંચ, તાપીના વ્યારામાં 1.65 ઇંચ વરસાદ ખાબક્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી, 25 થી વધુ જિલ્લામાં એલર્ટ
ગીર સોમનાથના તલાલા, સાબરકાંઠાના ખેડબ્રહ્મા, પાટણના સિદ્ધપુર, છોટા ઉદેપુર કવાંટ, વલસાડના પારડી, સુરેન્દ્રનગરના મુળી, દેવભૂમિ દ્વારકા, મહેસાણા, અરવલ્લી, તાપી સહિત 23 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યારે 158 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે.



