અમદાવાદ શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો, ભારે પવન સાથે વરસાદ ખાબક્યો, ધૂળની ડમરીઓ ઉડી
Rain in Ahmedabad: અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. અમદાવાદ શહેરમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. થલતેજ, ઈસ્કોન, બોડકદેવ, ગુરૂકુલ, ચાંદખેડા, સાયન્સસિટી, ગોતા, બાપુનગર, ઠક્કરબાપા નગર, નારોલ, નિકોલ, ઘાટલોડિયા, વટવા, નરોડા સહિત વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે. ગાંધીનગરમાં પણ ભારે પવન અને વરસાદ પડ્યો છે. અમદાવાદ-ગાંધીનગરના અનેક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડી છે. ભારે પવન ફૂંકાતા શહેરમાં હોર્ડિંગ્સ અને વૃક્ષો ધરાશાયી થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહીના પગલે ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે.
અમદાવાદ શહેરમાં ધૂળની આંધી અને વરસાદના દ્રશ્યો
આવતીકાલે 6 જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સહિત રાજ્યના કેટલાક જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ છે, ત્યારે 24 મેના સવારના 6 વાગ્યાથી 25 મેના સવારના 6 વાગ્યામાં રાજ્યના 37 તાલુકામાં ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આગામી બે દિવસ રાજ્યના 6 થી વધુ જિલ્લા ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહીને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. આ સાથે ગુજરાતભરમાં 40-50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે 26 મેના રોજ નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.