વરસાદ ઇફેક્ટ : વડોદરામાં ચાર દરવાજા વિસ્તારમાં ઘૂંટણસમા પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન
Vadodara Heavy Rain : વડોદરા શહેરમાં અવિરત વરસાદ શનિવારથી વરસી રહ્યો છે ત્યારે હળવા ભારે ઝાપટાના કારણે ટ્રાફિકથી ધમધમતા ચાર દરવાજા વિસ્તારમાં લહેરીપુરા-માંડવી વચ્ચે ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, ગત શનિવારથી શહેરમાં અવિરત વરસાદના હળવા ભારે ઝાપટા પડી રહ્યા છે ત્યારે, ટ્રાફિકથી ધમધમતા ચાર દરવાજા વિસ્તારના લહેરીપુરા અને માંડવી વચ્ચે ઘૂંટણ સમા પાણી ભરાયા હતા. પરિણામે વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા હતા. અનેક મોટરગાડી રસ્તા વચ્ચે બંધ પડી જતા ધક્કા મારવાનો વખત આવ્યો હતો. આવી જ રીતે ટુવિલર વાહન વરસાદી પાણીમાં અડધા ડૂબી જતા રસ્તા વચ્ચે બંધ પડી ગયા હતા પરિણામે ચાલકને પોતાનું વાહન ખેંચીને લઈ જવાની નોબત આવી હતી. જ્યારે આસપાસના રહીશોના નાના ટાબરિયા વરસાદમાં નહાવા નીકળી પડ્યા હતા. પસાર થતા વાહનો પર ટાબરીયા કંપની પાણીની છોળો ઉડાડીને આનંદ માણતા હતા. જ્યારે કેટલાક વેપારીઓની દુકાનમાં પણ વરસાદી પાણી ભરાતા તેમણે માલ સામાન સલામત સ્થળે મૂકવા માંડ્યો હતો.