Get The App

ગાંધીનગર જિલ્લામાં વરસાદ સાથે આંધી ફૂંકાતાં બાજરીનો તૈયાર પાકનો સોથ વળ્યો

Updated: May 6th, 2025

GS TEAM


Google News
Google News
ગાંધીનગર જિલ્લામાં વરસાદ સાથે આંધી ફૂંકાતાં બાજરીનો તૈયાર પાકનો સોથ વળ્યો 1 - image


બાજરી અને જુવારમાં ડુંડા આવી ગયા અને દાણાફૂટ થઇ ત્યારે કુદરતી કહેરથી ધરતીપુત્રોને મ્હોંએ આવેલો કોળિયો ઝુંટવાયો

ગાંધીનગર :  કમોસમી વરસાદની સાથે ફૂંકાયેલા મીની વાવાઝોડા જેવા પવનના પગલે ગાંધીનગર જિલ્લામાં પણ બાજરી, ઘાસચારા અને શાકભાજી સહિતના પાકમાં નુકશાન પડયું છે. ડુંડા લાગી ગયા અને દાણાફૂટ થઇ ત્યારે જ કુદરતે વર્તાવેલા કહેરના કારણે જિલ્લામાં ઉનાળુ પાકનું વાવેતર કરનારા ખેડૂતો માટે મ્હોં સુધી આવેલો કોળિયો ઝુંટવાઇ ગયા જેવી સ્થિતિનું સર્જન થયું છે. દરમિયાન હજુ પણ માવઠાની આગાહીથી જગતનો તાત ચિંતામાં મુકાયો છે.

ગાંધીનગર જિલ્લામાં મંગળવારની સાંજે અચાનક જ વાતવારણમાં પલ્ટો આવ્યો હતો. તેજ ગતિએ પવન ફૂંકાવાની સાથે એક ઇંચ જેવો વરસાદ પણ ખાબકવાના પગલે બાજરી, ઘાસચારો અને શાકભાજીના છોડ, વેલા જમીન દોસ્ત થઇ ગયાનું માણસા, દહેગામ, ગાંધીનગર અને કલોલના ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે. ખેતીવાડી તંત્રના સુત્રો દ્વારા ભારે પવન ફૂંકાવાથી પાક ઢળી પડે તે વાતને તો સમર્થન કરવામાં આવે છે. પરંતુ એક ઇંચ જેવા વરસાદથી કોઇ મોટું નુકશાન ન થાય તેમ જણાવવામાં આવે છે. તેની સામે ખેડૂતો દ્વારા સ્પષ્ટ કહેવામાં આવ્યું કે બાજરીના ડુંડામાં દાણા બેસી ગયા છે. હવે પાક ઢળી પડયો છે અને વરસાદમાં ડુંડા પલળી ગયા છે. તેથી પાકના નમનું નહીં જ નાખવાનું રહે છે. કાળઝાળ ગરમીના દિવસોમાં ખેડૂતોએ વાવેતર માટે કરેલી કાળી મજુરી અને બિયારણનો ખર્ચ પાણીમાં ગયા છે. નોંધવું રહેશે, કે ગાંધીનગર જિલ્લાના ઉનાળુ મોસમના વાવેતરના ફાઇનલ રિપોર્ટ પ્રમાણે જિલ્લામાં બાજરીનું વાવેતર ૬૯૪૭ હેક્ટરમાં, ઘાસચારાનું ૧૪૪૫૯ હેક્ટરમાં, શાકભાજીનું ૬૫૫૩ હેક્ટરમાં મુખ્ય વાવેતર થયુ હતું. આ ઉપરાંત મગનું ૧૧ હેક્ટરમાં, મગફળીનું ૧૩ હેક્ટરમાં તલનું ૫૮ હેક્ટરમાં ગુવારગમનું ૪ હેક્ટરમાં અને અન્ય કઠોળનું ૧૭૧ હેક્ટરમાં વાવેતર થયુ હતું.

ખેડૂતો દ્વારા સમયસર નુકસાની સર્વે અને સહાયની માંગ

ખેડૂતો દ્વારા જણાવાયું કે ૩૦-૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેમાં કોઇ પાક ઉભો રહે નહીં. વધારામાં હવામાન તંત્ર દ્વારા હજુ પણ ત્રણ દિવસ માટે આવી સ્થિતિ રહેવાની આગાહી કરવામાં આવી છે. આ સંજોગોમાં સરકાર તરફથી સમયસર પાક નુકશાની સંબંધે સર્વે કરવામાં આવે અને ખેડૂતોને સહાય ચૂકવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. ત્યારે નોંધવું રહેશે, કે સરકારી જોગવાઇ અનુસાર ૩૦ ટકાથી વધુ નુકશાન હોય તો જ ખેડૂત સહાય મેળવવાને પાત્ર બને છે.

Tags :