અરબ સાગરમાં વિકરાળ સ્વરૂપ લઈ રહેલું 'શક્તિ' વાવાઝોડું ગુજરાત તરફ ક્યારે ફંટાશે? મહારાષ્ટ્રમાં પણ ઍલર્ટ
Cyclone Shakhti : અરબ સાગરમાં વિકરાળ સ્વરૂપ લઈ રહેલું 'શક્તિ' વાવાઝોડું હાલમાં ગુજરાતના દ્વારકાથી 510 કિલોમીટરના અંતરે હોવાનું ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે. જે છેલ્લા 6 કલાકથી 13 કિ.મી. પ્રતિકલાકની ઝડપે પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે. ચક્રવાત હાલમાં ગુજરાતના દ્વારકાથી લગભગ 420 કિલોમીટર પશ્ચિમમાં છે. વાવાઝોડું 'શક્તિ' આગામી સોમવાર (6 ઓક્ટોબર)ની સવારથી ગુજરાત તરફ યુ-ટર્ન લઈ શકે છે. જેના કારણે આગામી 10 ઓક્ટોબર સુધી ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે પવન અને વરસાદની શક્યતાને લઈને હવામાન વિભાગે ઍલર્ટ જાહેર કર્યુ છે.
વાવાઝોડાની હાલની સ્થિતિ
શનિવારે (4 ઓક્ટોબર) IMDના જણાવ્યા મુજબ, ચક્રવાત હાલમાં ગુજરાતના દ્વારકાથી લગભગ 420 કિલોમીટર પશ્ચિમમાં અને પાકિસ્તાનના કરાચીથી 290 કિલોમીટર દક્ષિણ-દક્ષિણપશ્ચિમમાં કેન્દ્રિત છે. આ સિસ્ટમ લગભગ 13 કિ.મ. પ્રતિ કલાકની ઝડપે ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહી છે અને રવિવાર (5 ઓક્ટોબર) સુધીમાં પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ તરફ મધ્ય અરબી સમુદ્ર તરફ આગળ વધવાની શક્યતા છે.
આ પણ વાંચો: ગુજરાત પર શક્તિ વાવાઝોડાના સંકટ વચ્ચે ફરી ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં ઍલર્ટ
ગુજરાતના 6 જિલ્લામાં યલો ઍલર્ટ
હવામાન વિભાગ મુજબ, 'શક્તિ' વાવાઝોડાની અસરને લઈને આગામી 8-9 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. જેમાં 8 ઓક્ટોબરે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરત, નવસારી, વલસાડ અને 9 ઓક્ટોબરે વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.
મહારાષ્ટ્રમાં પણ ઍલર્ટ
ભારતીય હવામાન વિભાગ મુજબ, શનિવારે (4 ઓક્ટોબર) આગામી અમુક દિવસો ચક્રવાતના પ્રભાવથી મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો સહિતના કેટલાક સ્થળોએ ભારે પવન અને વરસાદ થવાની શક્યતા છે. જેમાં પૂર્વ વિદર્ભ અને મરાઠવાડા જેવા આંતરિક જિલ્લાઓમાં 4 ઓક્ટોબરના રોજ ભારે વરસાદ પડવાની આગાહી છે. વરસાદને કારણે ઉત્તર કોંકણના નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવી શકે છે. ઓડિશા પરના બીજા ઓછા દબાણવાળા ક્ષેત્રમાં પણ મધ્ય મહારાષ્ટ્ર અને મરાઠવાડામાં વાવાઝોડા સાથે મધ્યમ વરસાદ થવાની સંભાવના છે.