Gujarat

ધોળકા શહેરમાં પવન સાથે વરસાદ, અનેક સ્થળે પાણી ભરાયા

By GS TEAM
17 Jun 20252 mins read
ધોળકા શહેરમાં પવન સાથે વરસાદ, અનેક સ્થળે પાણી ભરાયા

સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માંગ

રાધનપુરીવાડ મહમદ સ્કૂલ રોડ, ગધેમાર રોડ પર પાણી ભરાતા રહિશો અને વેપારીઓને હાલાકી

બગોદરા -  ધોળકા શહેરમાં પવન સાથે વરસાદ પડતા અનેક સ્થળે પાણી ભરાયા છે. રાધનપુરીવાડ મહમદ સ્કૂલ રોડ, ગધેમાર રોડ પર પાણી ભરાતા રહિશો અને વેપારીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. શહેરના હાર્દ સમાન વિસ્તારમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા સ્થાનિકો માંગ ઉઠી છે.

 

ધોળકા શહેરમાં પવન સાથે વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો પણ હાર્દ સમાન રાધનપુરીવાડ વિસ્તારમાં ઘૂંટણ સમાન વરસાદી પાણી ભરાય જાય છે. આ વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની કાયમી સમસ્યા છે. રાધનપુરીવાડ, મહમદ સ્કૂલ રોડ, ગધેમાર રોડ પર વરસાદી પાણી ભરાતા સ્થાનિક રહીશો અને ધંધાર્થીઓએ જણાવ્યું હતું કે વરસાદી પાણી ભરાતા સ્થાનિક રહીશોને અવર જવર કરવામાં મુશ્કેલી વેઠવી પડે છે. વાહન ચાલકોને પણ હાલાકી વેઠવી પડી રહી છે. આ વિસ્તારમાં આવેલી દુકાનો અને લારીઓ વાળાનાં ધંધા રોજગાર ઉપર અસર પડે છે. વરસાદી પાણી ભરાયેલું હોવાથી ગ્રાહકો આવતા નથી. આથી સ્થાનિક લોકો અને ધંધાર્થીઓની માંગણી છે કે ધોળકા નગરપાલિકા દ્વારા રાધનપુરીવાડ વિસ્તારમાં વરસાદી પાણીના ભરાવાની સમસ્યાનો કાયમી નિકાલ લાવવો જોઈએ. વરસાદની સાથે વીજળી પડવાના કારણે અનેક વિસ્તારોમાં પાવર સપ્લાય ખોરવાયો હતો. આના કારણે લોકોને ગરમી અને અંધકારનો સામનો કરવો પડયો. બીજી તરફ ધોળકા અને બાવળા તાલુકામાં છેલ્લા બે દિવસથી વાવણીલાયક વરસાદ પડતા ખેડૂત વર્ગમાં ખુશીનો માહોલ છવાયો છે.