આણંદમાં બ્રિજ ઉપર ફૂટપાથ તૂટેલી રેલવે તંત્રને રિપેરિંગ કરાવવા તાકીદ
- ભાલેજ રોડ અને રાજોડપુરાના ઓવરબ્રિજનું નિરીક્ષણ
- પુલ ઉપર સાઈડમાં ઉગેલી ઝાડી દૂર કરી ખરાબ રોડ તાકીદે બનાવવા અધિકારીઓને સૂચના
આણંદમાં ચોમાસા દરમિયાન વરસાદને કારણે રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા છે. ત્યારે આણંદ મનપાના વહીવટદાર અને મનપાના કમિશનરે આજે આણંદ ભાલેજ રોડ ઈસ્માઈલનગર સ્થિત ઓવરબ્રિજ અને ગણેશ ચોકડી રાજોડપુરાના ઓવરબ્રિજની સ્થળ મુલાકાત કરી નિરીક્ષણ કર્યું હતું. ત્યારે કલેક્ટરે બ્રિજ ઉપર સાઈડમાં વેજીટેસન દૂર કરવા માટે અધિકારીઓને સૂચના આપી હતી. ઉપરાંત બ્રિજ ઉપર ફૂટપાથ તૂટેલી જણાતા રિપેરિંગ માટે રેલવે તંત્રને જાણ કરવાનું કહેતા સ્થળ પરથી જ કાર્યપાલક ઈજનેરે ફોન દ્વારા રેલવે અધિકારીઓને ફોન દ્વારા જાણ કરી હતી. આ અંગે પત્રથી પણ તાકીદે રેલવે ઓવરબ્રિજ ફૂટપાથનું સમારકામ કરવા જણાવ્યું હતું. સ્ટ્રક્ચર એન્જિનિયરે ભાલેજ રોડ બ્રિજ ઉપર સેફેટી માટે રેલિંગની હાઈટ વધારવાની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. મ્યુનિ. કમિશનરે સિટી એન્જિનિયરને આણંદ મનપા વિસ્તારના ઓવરબ્રિજ અને રસ્તાઓ ઉપર વરસાદના કારણે ખરાબ થયેલા રોડ તાકીદે મોટરેબલ બનાવવા સૂચના આપી હતી.