Gujarat

રેલવેની 'એક સ્ટેશન-એક ઉત્પાદન' યોજના ધક્કાગાડી બની, લાભાર્થી શોધ્યા જડતા નથી

By GS TEAM
7 Oct 20252 mins read
રેલવેની 'એક સ્ટેશન-એક ઉત્પાદન' યોજના ધક્કાગાડી બની, લાભાર્થી શોધ્યા જડતા નથી

રાજકોટ ડિવિઝનમાં સ્ટોલ ખુલ્લા નજરે પડે તો સદ્દભાગ્ય !

ટોકન દરે આઉટલેટની ફાળવણી થતી હોવાથી હસ્તકલાનાં કારીગરોને પ્રદર્શન-વેચાણમાં રસ નથી, રેલતંત્રને પણ પડી નથી 

રાજકોટ: ભારતીય રેલવે દ્વારા કેન્દ્ર સરકારના 'વોકલ ફોર લોકલ' વિઝનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી વર્ષ-૨૦૨૩માં 'એક સ્ટેશન એક ઉત્પાદન' યોજના શરૂ કરવામાં આવી છે, જેનો ઉદ્દેશ મુસાફરોથી ધમધમતા દરેક રેલવે સ્ટેશનોએ સ્થાનિક સ્વદેશી ઉત્પાદનો માટે બજાર ઉપલબ્ધ કરાવવાનો તેમજ હાંસિયામાં ધકેલાઈ ગયેલા કારીગર વર્ગ માટે વધારાની આવકના અવસર ઉભા કરવાનો છે. આ યોજના હેઠળ રેલવે સ્ટેશનો પર સ્થાનિક સ્વદેશી ઉત્પાદનના પ્રદર્શન-વેચાણ માટે ટોકન દરે આકર્ષક આઉટલેટ ફાળવવામાં આવે છે, પરંતુ હાલ તો રેલવેની 'એક સ્ટેશન-એક ઉત્પાદન' યોજના ધક્કાગાડી બની છે અને લાભાર્થી શોધ્યા જડતા નથી. 

રાજકોટ ડિવિઝનમાં રાજકોટ જંકશન, ભક્તિનગર, દ્વારકા, ખંભાળિયા, જામનગર, વાંકાનેર અને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પર 'એક સ્ટેશન-એક ઉત્પાદન'ના આઉટલેટ ફાળવવામાં આવ્યા છે. જ્યાં સ્થાનિક હસ્તકલા કારીગરો, વણાટકારો, કુંભારો અને  સ્વ-સહાય જૂથો જેમાં ખાસ કરીને મહિલાઓ અને વંચિત વર્ગોને પોતાના હાથે કે ઓઝારથી બનાવેલી પરંપરાગત હસ્તકલા, માટીકલા, વસ્ત્રો, અન્ય વસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવાની તક મળે છે. તેઓ અરજી કરે એટલે રૂા.૧૦૦૦ની ટોકન ફી-ભાડું લઈને ૧૫ દિવસથી લઈને ૩ મહિના માટે આઉટલેટ ફાળવવામાં આવે છે, તેમ રાજકોટ રેલવે ડિવિઝનનું કહેવું છે.

જો કે, 'એક સ્ટેશન-એક ઉત્પાદન' યોજનાનો હેતુ સિધ્ધ થયો નથી. રાજકોટમાં મુખ્ય જંકશન અને ભક્તિનગર રેલવે સ્ટેશને 'એક સ્ટેશન-એક ઉત્પાદન' આઉટલેટ મોટાભાગે બંધ જ જોવા મળે છે. મુસાફરો કહે છે કે, અહીં હસ્તકલાના સ્ટોલ ખુલ્લા નજરે પડે તો સદ્દભાગ્ય ગણાય છે. કારણ કે, ટોકન દરે આઉટલેટની ફાળવણી થતી હોવાથી હસ્તકલાનાં લાભાર્થી કારીગરોને વેચાણ-પ્રદર્શનની કોઈ ચિંતા નથી. આ માટે કોઈ નીતિ-નિયમો છે કે નહીં, એ તરફ રેલતંત્ર પણ ધ્યાન આપતું નથી. 

સાચા લાભાર્થીઓ શોધવાનું અધ્ધરતાલ 

એક સ્ટેશન એક ઉત્પાદન નીતિમાં એ પરિકલ્પના કરવામાં આવી છે કે આ યોજનાનો લાભ નીચલા સ્તરે રહેલા લોકો સુધી પહોંચવો જોઈએ અને તમામ અરજદારોને અવસર મળવો જોઈએ. આ ઉદ્દેશ સિધ્ધ કરવા માટે રેલવે અધિકારીઓ દ્વારા મીડિયાનાં પ્લેટફોર્મનો ઉપયોગ કરવાથી માંડીને કારીગરોની વ્યક્તિગત મુલાકાત લેવા સહિત વિવિધ ઉપાય અપનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો હતો, પણ ફળિભૂત થયો નથી.