Gujarat

નડિયાદના શ્રેયસ ગરનાળા પર ઓવરબ્રિજ બનાવવા રેલવે દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળી

By GS TEAM
12 Feb 20261 min read
નડિયાદના શ્રેયસ ગરનાળા પર ઓવરબ્રિજ બનાવવા રેલવે દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી મળી

- ટ્રાફિક અને પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે

- રેલવેના મુસાફરો, શહેરના પૂર્વ-પશ્ચિમ વિસ્તારની જનતા માટે આ બ્રિજ આશીર્વાદરૂપ સાબિત થશે

નડિયાદ : નડિયાદ શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા અત્યંત મહત્વના ગણાતા શ્રેયસ ગરનાળા પર રેલવે ઓવરબ્રિજ નિર્માણ કરવા માટે રેલવે સત્તાવાળાઓ દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપી દેવામાં આવી છે. કેન્દ્ર સરકારની અમૃત ભારત રેલવે સ્ટેશન યોજના અંતર્ગત નડિયાદ જંકશનનો સમાવેશ કરાયા બાદ હવે શ્રેયસ ગરનાળા પર પણ આધુનિક બ્રિજ બનાવવાની લીલીઝંડી મળતા શહેરની વર્ષોે જૂની સમસ્યાનો અંત આવશે. 

નડિયાદ શહેરના હાર્દસમા રેલવે સ્ટેશન વિસ્તારમાં દર વર્ષે ચોમાસા દરમિયાન શ્રેયસ ગરનાળામાં પાણી ભરાઈ જવાને કારણે વાહનવ્યવહાર ઠપ્પ થઈ જતો હતો અને ટ્રાફિકની ગંભીર સમસ્યાઓ સર્જાતી હતી. આ પરિસ્થિતિના કાયમી નિરાકરણ માટે લોકલાગણી હતી કે અહીં રેલવે ઓવરબ્રિજ બનાવવામાં આવે. આ બાબતે સાંસદ અને ધારાસભ્યએ ભારત સરકારમાં રજૂઆત કરી હતી કે, રેલવે મુસાફરો અને શહેરના પૂર્વ-પશ્ચિમ વિસ્તારની જનતા માટે આ બ્રિજ આશીર્વાદરૂપ સાબિત થશે. રેલવે મંત્રાલયે આ જરૂરિયાતને ગ્રાહ્ય રાખીને બાંધકામ માટેની મંજૂરી આપતા હવે આગામી સમયમાં કામગીરી વેગવંતી બનશે. આ વિકાસલક્ષી નિર્ણયથી નડિયાદના શહેરીજનોમાં આનંદની લહેર પ્રસરી છે.