કોરોનામાં બંધ કરાયેલી ટ્રેનો ફરી શરૂ કરવા રેલ્વે પેસેન્જર એસોસિએશનની પીએમને રજૂઆત
સમીક્ષા વગર ટ્રેનોના સમય બદલાયા, સ્ટોપેજ ઘટ્યા, કેટલીક ટ્રેનો બંધ થતા હાલાકી
મથુરાથી સુરત સુધી અસંખ્ય મુસાફરો પરેશાન
કોરોના મહામારી બાદ કેટલીક ટ્રેનોના સમયમાં ફેરફાર સાથે સ્ટોપેજ ઘટતા તેમજ કેટલીક ટ્રેનો બંધ થયા બાદ ફરી શરૂ ન થતા મથુરાથી સુરત સુધી અસંખ્ય મુસાફરો પરેશાન હોય રેલ્વે પેસેન્જર એસોસિએશન વડોદરા દ્વારા પ્રધાનમંત્રીને રજૂઆત કરાઈ હતી.
રેલ્વે પેસેન્જર એસોસિએશનના પ્રમુખ ઓમકારનાથ તિવારીએ પ્રધાનમંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે, કોરોનાકાળ બાદ ઝીરો બેઝ રેલ્વે ટાઇમ ટેબલથી ટ્રેનો દોડાવવામાં આવી હતી. જેમાં કેટલીક ટ્રેનોના સ્ટોપેજ બંધ કરાયા હતા. તેમજ હજુ પણ ફિરોજપુર જનતા એક્સપ્રેસ, જામનગર સુરત ઇન્ટરસિટી જેવી કેટલીક ટ્રેનો એવી છે જે શરૂ થઈ નથી. આ ટ્રેનો શરૂ કરવા રેલ્વે વિભાગ મેન્ટેનન્સનું કારણ આગળ ધરી પોતાનો બચાવ કરે છે. ભૂતકાળમાં ભૌગોલિક પરિસ્થિતિ અનુસાર રેલ્વે ટ્રાન્સપોર્ટેશન શરૂ થયું હતું. પરંતુ, આજે મથુરાથી વડોદરા,અમદાવાદ, સુરત સુધી દૈનિક મુસાફરો, વેપારી વર્ગ, વિદ્યાર્થીઓ વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. વધુમાં જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર એક્સપ્રેસ અગાઉ બપોરે 3 વાગ્યે અંકલેશ્વર સ્ટેશન પર પહોંચતી હતી. જે હવે સાંજે 4 વાગ્યે પહોંચે છે. જેથી આ ટ્રેનનો સમય અગાઉની માફક બપોરે 3 વાગ્યાનો થવો જોઈએ. જ્યારે વડોદરા સુરત મેમુ ટ્રેનનો સમય વડોદરાથી સવારે 11: 30નો કરવામાં આવે તેમજ વડોદરાથી કઠાણા અને કઠાણાથી વડોદરા પેસેન્જર ટ્રેન શરૂ કરવામાં આવે.